કતારગામના રત્નકલાકારને લમણે પિસ્તોલ મૂકી હનીટ્રેપ : પુણાગામની યુવતીએ નગ્ન ફોટોગ્રાફ્સ લઈ નકલી પોલીસ બોલાવી રૂા. ૩ લાખ પડાવ્યા

09-Aug-2021

પ્રતિકાત્મક તસવીર.

રત્નકલાકારને વિક્રમનગરના મકાનમાં બોલાવી નગ્ન ફોટા પડાયા હતા: રત્નકલાકારને રીવોલ્વર બતાવી અપહરણ કરી ૩ લાખ પડાવાયા.

સુરત : કતારગામના પરિણીત રત્નકલાકારને હનીટ્રેપમાં ફસાવી ૩ યુવતી સહિતની ટોળકીએ રૂા. ૩ લાખ પડાવી લઇ ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાવા પામી છે.

પુણા પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ, કતારગામ ખાતે રહેતા રત્નકલાકારને તેના પરિચિત મિત્ર પાસેથી દેહવ્યાપારનો ધંધો કરતી મંજુ નામની યુવતીનો મોબાઇલ નંબર મળ્યો હતો. ૨ વર્ષ અગાઉ મંજુ સાથે રત્નકલાકાર વાતચીત કરતો હતો. દરમિયાન મંજુનો નંબર બંધ થઇ જતાં સંપર્ક તૂટી ગયો હતો. દરમિયાન ગત તા. ૫-૮-૨૧ના રોજ બપોરે મંજુએ સામેથી રત્નકલાકારને ફોન કરી પોતાની ઓળખ આપી હતી અને મોજ કરવા માટે વિક્રમનગર સોસાયટી વિ-૧ના મકાન નં. ૧૭૩માં પરિચિત હિરલ ઝાલા અને દિલીપ ઝાલાના મકાનમાં બોલાવ્યો હતો. જ્યાં રત્નકલાકાર પાસેથી મોજ કરવા માટે મંજુએ ૧૦૦૦ રૂપિયા લીધા હતા અને એક રૂમમાં લઇ ગઇ હતી. જ્યાં અન્ય એક યુવતી સાથેના નગ્ન હાલતમાં ફોટા પાડી લીધા હતા. તે દરમિયાન અચાનક પ્લાન મુજબ ૪ અજાણ્યા યુવકો આવી પહોંચ્યા હતા. પોતાની ઓળખ પોલીસવાળા તરીકે આપી રત્નકલાકારના હાથમાં હાથકડી પહેરાવી ગાળ-ગલોચ અને તમાચા મારી દીધા હતા અને આવા ધંધા કરે છે કહી ધમકાવી મામલે રફેદફે કરવો હોય તો પાંચ લાખ આપવા પડશે કહી ધમકાવ્યો હતો. પોતાની પાસે આટલી મોટી રકમ સાથે ન હોવાનું જણાવતા મકાન માલિક તરીકે મંજુ દ્વારા અપાયેલી ઓળખ મુજબના હિરલ ઝાલા અને દિલીપ ઝાલાએ રાહત અપાવવા આજીજીનું નાટક કર્યુ હતું. વળી, જેની સાથે નગ્ન ફોટો મોબાઇલમાં પાડ્યો હતો તે ભારતી નામની મહિલા દ્વારા પણ દરમિયાનગિરી બતાવવાનું તરકટ કરતા આ ડમી પોલીસ બની આવેલા એક યુવકે રત્નકલાકારના લમણાના ભાગે પિસ્તોલ મૂકી તારા મિત્રને ફોન કરી પૈસા મગાવવા દબાણ કર્યુ હતું. અંતે રત્નકલાકારને શાઇન બાઇક નં. જીજે ૦૫ એસજી ૪૪૯૫ (દિલીપ ઝાલાની માલિકીની બાઇક પર) બેસાડી અપહરણ કરી પિસ્તોલની નોકે અલગ અલગ જગ્યાએ ફેરવી રત્નકલાકાર પાસે તેના મોબાઇલ પરથી ફોન કરી અલગ-અલગ મિત્રો દ્વારા રૂા. ૩ લાખની રકમ પડાવી લીધી હતી. બાદ આ બાબતે કોઇને જાણ કરાશે કે પોલીસમાં ફરિયાદ કરાશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી રત્નકલાકારને છોડી મૂકવામાં આવ્યો હતો. ટોળકીની હનીટ્રેપમાંથી યેનકેન રીતે છૂટેલા રત્નકલાકારે પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ સંદર્ભેની તપાસ પુણા પોલીસ મથકના પોસઇ પી. કે. રાઠોડ કરી રહ્યા છે.

Author : Gujaratenews