કાપોદ્રાની બિલ્ડીંગના ત્રીજા માળે પતરાના શેડ ભારે પવનના કારણે ઉડીને રસ્તા પર પડ્યા

18-May-2021

તાઉ તે વાવાઝોડાની અસર સુરતમાં પણ દેખાય છે ત્યારે કાપોદ્રા વિસ્તારમાં આવેલા એક બિલ્ડીંગના ત્રીજા માળે પતરાના શેડ ભારે પવનના કારણે ઉડીને રસ્તા પર પડ્યા હતા. જેને કારણે લોકોમાં ભય પ્રસરી ગયો હતો. ઘટનાને જોતા પોલીસ બંદોબસ્ત ગોઠવી આખો રસ્તો બંધ કરી દેવાયો હતો.
તાઉ તે વાવાઝોડાને પગલે શહેરમાં વરસાદી માહોલ છવાયો છે. મંગળવારે છેલ્લા છ કલાકમાં સુરત શહેરમાં કુલ બે ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે બપોરના સમયે ભારે વરસાદ અને પવનને કારણે કાપોદ્રા મેન રોડ પર સ્નેહમુદ્રા સોસાયટી પાસે એક બિલ્ડિંગના ત્રીજા માળે પતરાના શેડ એકાએક નીચે જમીન પર પડતા હજારો લોકોની અવરજવર વાળા રોડ પર ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાને લઇને પાલિકાએ ક્રેન દોડાવી પતરા ઉતારવાની કામગીરી કરી હતી અને પોલીસે બંદોબસ્ત ગોઠવી આખો રસ્તો સીલ કરી દીધો હતો.

Author : Gujaratenews