ડાઉનલોડ સ્પીડમાં 20.7 mbps સ્પીડ સાથે જિયો ટોચ પર: ટ્રાઇ

17-Jun-2021

નવી દિલ્હી, 17 જૂન રિલાયન્સ જિયોએ 4G સેગમેન્ટમાં 20.7 મેગાબાઇટ પર સેકન્ડ સરેરાશ ડાઉનલોડ સ્પીડ સાથે પોતાની સર્વોપરિતા બરકરાર રાખી છે, જ્યારે વોડાફોન આઇડિયાએ મે મહિનાના સમયગાળા દરમિયાન અપલોડ સેગમેન્ટમાં 6.7 એમબીપીએસ ડેટા સ્પીડ સાથે ચાર્ટમાં ટોચનું સ્થાન મેળવ્યું છે, તેમ ટેલિકોમ રેગ્યૂલેટર ટ્રાઇ દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરના ડેટામાં જણાવાયું હતું. રિલાયન્સ જિયો 4G નેટવર્કની સ્પીડમાં નજીવો વધારો નોંધાયો છે, પરંતુ તેના નજીકના પ્રતિસ્પર્ધી વોડાફોન આઇડિયા કરતાં જિયોની ડાઉનલોડ સ્પીડ પહેલેથી જ ત્રણ ગણી વધારે છે. વોડાફોન આઇડિયાની ડાઉનલોડ સ્પીડ 6.3 એમબીપીએસ છે. ગત ઓગસ્ટ 2018માં વોડાફોન આઇડિયાનું મર્જર થયું એ પછી પહેલીવાર ટ્રાઇ દ્વારા જારી કરાયેલા ડેટામાં વોડાફોન આઇડિયાની સંયુક્ત સ્પીડના આંકડા જારી કરવામાં આવ્યા છે. અત્યાર સુધી ટ્રાઇ બંને નેટવર્કના અલગ અલગ આંકડા જારી કરતું હતું. આઠમી જૂનના રોજ ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ એરટેલ સૌથી ઓછી 4.7 એમબીપીએસ ડાઉનલોડ સ્પીડ સાથે ચાર્ટમાં સૌથી છેલ્લે રહ્યું છે. ડાઉનલોડ સ્પીડ ગ્રાહકોને ઇન્ટરનેટ પર કન્ટેન્ટ એક્સેસ કરવામાં મદદરૂપ થાય છે, જ્યારે અપલોડ સ્પીડ ગ્રાહકોને તેમના કોન્ટેક્ટ્સને ફોટોગ્રાફ્સ અને વીડિયો મોકલવામાં મદદરૂપ થાય છે. ટ્રાઇના જણાવ્યા મુજબ, મે મહિનામાં વોડાફોન આઇડિયાની અપલોડ સ્પીડ 6.3 એમબીપીએસ હતી. ત્યારબાદ રિલાયન્સ જિયો 4.2 એમબીપીએસ અને ભારતી એરટેલ 3.6 એમબીપીએસ સાથે અનુક્રમે રહ્યા હતા. સરકારી ટેલિકોમ ઓપરેટર BSNL દ્વારા કેટલાક ચોક્કસ વિસ્તારોમાં 4G સેવાઓ શરૂ કરવામાં આવી છે પરંતુ ટ્રાઇના ડેટામાં તેની નેટવર્ક સ્પીડનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ટ્રાઇ દ્વારા માયસ્પીડ એપ્લિકેશન પર રિયલ ટાઇમ ધોરણે સમગ્ર ભારતમાંથી એકત્ર કરવામાં આવેલા ડેટાના આધારે ટેલિકોમ ઓપરેટર્સના નેટવર્કની સરેરાશ સ્પીડ નક્કી કરવામાં આવે છે.

Read more at: https://www.gujaratenews.com

Author : Gujaratenews