જેતપુરમાં પ્રદુષણ મુદ્દે જનતા રેડ, પર્યાવરણને પ્રદૂષિત કરવાના ષડયંત્રનો પર્દાફાશ

18-Jul-2021

જેતપુરનાં કેરાળી ગામે ભાદર નદીમાં વેસ્ટ નોનયુઝ કેમિકલ ગેરકાયદેસર રીતે ઠાલવીને પ્રદૂષિત કરવા આવેલા ટાંકો ઠલવાય એ પહેલાં ગ્રામજનો દ્વારા પબ્લિક રેડ કરી  પર્યાવરણને પ્રદૂષિત કરવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો.
 
કેરાળી ગામ પાસે આવેલ એક બાયોકોલના કારખાનામાં દુધના ટેન્કરમાં જલદ કેમિકલનો પ્રદૂષિત કાદવ ભરીને ભાદર નદીમાં ઠાલવવા આવેલ ટ્રક-ટેન્કરને આસપાસના ગામલોકોએ પબ્લિક રેડ કરી પકડી પાડી ગુજરાત પ્રદુષણ કંટ્રોલ બોર્ડના અધિકારીઓને જાણ કરી રૂબરૂ બોલાવી સેમ્પલ લેવડાવ્યા હતા. જનતા રેડમાં વાતાવરણ એટલું ગરમાગરમ થઈ ગયું હતું કે, ગ્રામજનોના રોષના સ્વરૂપના સમાચાર એએસપીને મળતા પોતે પોલીસ કાફલા સાથે દોડી આવવું પડ્યું હતું.

છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસાની ઋતુ શરૂ થાય કે તુરંત ભાદર નદીના પાણીમાં સફેદ કલરના ફીણથી સમગ્ર સપાટી છવાઈ જતી જોવા મળતી હતી. આવુ બનવાના કારણે ગામલોકો આના માટે  ફક્ત જેતપુર ડાઇંગ પ્રિન્ટીંગ એસોસિએશન દ્વારા ભાદર નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડાય છે અને તેને કારણે નદી પ્રદુષિત થઈ ગઈ છે તેવુ  અનુમાન લગાવતા. આ પાણીથી ખેતી કરવાને કારણે ખેતીની જમીન રાખ જેવી થઈ ગઈ છે. જેમાં કોઈ ઉપજ પણ આવતી ન હોવાની ફરીયાદો પ્રદુષણ નિયંત્રણ બોર્ડથી માંડીને મામલતદાર કલેક્ટર વગેરે સરકારી પ્રશાસનને કરે છે.

કારખાનાના મેનજર સાથે માથાકૂટ

ડાઇંગ એસોસિએશનના સાડીઓના કારખાનાઓથી ભાદર નદી પ્રદુષિત છે તે વાત જગજાહેર હોવાથી નદીમાં કોઈ જગ્યાએથી પોતાનું પણ કેમિકલ યુક્ત પાણી ઠાલવી દેવામાં આવે તો કોઈને ક્યાં ખબર પડવાની આવા વિચાર હેઠળ બહાર ગામના કેમિકલના કારખાનેદારો ભાદર નદીની આસપાસના અન્ય ઉદ્યોગમાં પોતાના કેમિકલનો વેસ્ટજ પ્રવાહીરૂપનો કદળો ઠાલવી જય છે તેવી ઘણા સમયથી ચર્ચાઓ ચાલતી. જેમાં  કેરાળી ગામ પાએ કોઈ મોટી દૂધની ડેરી ન હોવા છતાં કેટલાક સમયથી આ ગ્રામ્ય વિસ્તારના રોડ પર દુધના ટેન્કરો દોડતા હોવાથી ગામવાસીઓને કંઈક ગોલમાલની શંકા હતી. તેમાં ગતરાત્રીના સમયે મહેસાણા પાસીંગનું મિલ્ક લખેલ એક ટેન્કર જીજે ૦૨ ઝેડ ૩૩૦૩ નંબરનું  ટેન્કર કેરાળી ગામના રસ્તા પર દેખાતા ગામના કેટલાક યુવાનોએ ટેન્કરનો પીછો કરતા ટેન્કર નદી કાંઠે આવેલ એક બાયોકોલના કારખાનની અંદર તરફ ગયું હતુ. 
આ વાતની જાણ  યુવાનોએ ગામલોકોને  કરતા કેરાળી તેમજ લુણાગરા ગામના લોકો આ રાજહંસ બાયોકોલના કારખાને ઉમટી પડ્યા હતાં.   અહી કારખાનામાંથી  ગેરકાયદેસર પાઇપ લાઇન ભાદર નદી માં અંડર ગ્રાઉન્ડ મળી આવી હતી.   જેથી લોકોહોબાળો કરતાં કારખાનાના મેનેજર અને ગામલોકો વચ્ચે  ગરમાગરમી  શરૂ થતાં વાતાવરણ  તંગ થઈ ગયુ હતું.   આ તકે આવી પહોંચેલ એએસપી સાગર બાગમર પોલીસ કાફલા સાથે ગામલોકોને કારખાનની બહાર ખસેડતા  વાતાવરણ વધું ઉગ્ર થઈ ગયું હતું. લોકોએ  આક્ષેપ કરેલ કે ઘણા વર્ષોથી નદીને પ્રદુષિત કરવાનું કામ ચાલે છે જેની પ્રદુષણ બોર્ડને અસંખ્યવાર ફરીયાદ કરવા છતાંય કઈ નિરાકરણ આવ્યું નથી. જેથી અમે જનતા રેડ કરી નદીને પ્રદુષિત કરનારને રંગે હાથ પકડ્યો  છે.  અમારી હાજરીમાં જ પ્રદુષણ બોર્ડ ટેન્કરના પ્રવાહીના સેમ્પલ લવા જોશે તેવી માંગ કરી હતી. જેથી પ્રદુષણ બોર્ડના કર્મચારીઓએ  ગામલોકોની હાજરીમાં જ પૃથક્કરણ માટે સેમ્પલ લીધા હતા.

આ અંગે લુણાગરા ગામના જિલ્લા પંચાયતના સદસ્ય સુભાષભાઈ બાંભરોલીયાએ જણાવેલ કે,આ કારખાનેદાર દ્વારા ઘણા વર્ષોથી કેમિકલના અન્ય કારખાનેદારો પાસેથી ટેન્કર દીઠ પૈસા લઈ અહીં નદીમા કેમિકલથી પ્રદૂષિત પાણી છોડવાની પ્રવૃત્તિ કરવામા આવે છે.  આ જલદ કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણી નદીમાં ઠાલવવાથી નદી કાંઠાની તમામ જમીન સાવ બંજર બની ગઈ છે. આ  પ્રદૂષિત થયેલું પાણી ભાદર ડેમ -૨ માં જતું હોય તેનું પાણી પણ પીવાલાયક રહેતું નથી.

જેતપુર ડાઇંગ એસોસિએશનના ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા નદીમાં પ્રદુષિત પાણી સામે  છોડવા સામે ધોરાજીના ધારાસભ્ય સહિત અનેક આગેવાનોએ અનેકવાર વિરોધ કર્યો છે.. ભાદર નદીને પ્રદુષિત કરવામાં ફક્ત એક ડાઇંગવાળા જ જવાબદાર નથી પરંતુ ચોરી છુપીથી નદીમાં જલદ કેમિકલનો કદળો ઠાલવી પર્યાવરણનુ નિકંદન કાઢવાના કાળાકામ કરતા આવતા અન્ય પ્રોડક્ટનાં યુનિટના માલિકો પણ જવાબદાર હોવાની સાબિતી મળી હતી. 

ન્યૂઝ રિપોર્ટ: વિક્રમસિંહ ચુડાસમા (જેતપુર) 

Author : Gujaratenews