૨૬મીએ કારગિલ વિજય દિવસે વરાછામાં સમર્પણ ગૌરવ સમારોહ, અમેરિકાનો પટેલ સમાજ ઓનલાઇન જોડાશે: 17 જવાનોના પરિવારોને રૂ।. ૨૩,૫૦,૦૦૦ લાખની સહાય, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વર્ચ્યુલ ઉપસ્થિત રહેશે

21-Jul-2021

જય જવાન નાગરીક સમિતિ સુરત તરફથી સમર્પણ ગૌરવ સમારોહનું આયોજન, 

કોરોના જંગમાં મૃત્યુ પામનાર પોલીસના જવાનોના પરિવારોને પણ સહાય

Surat:જય જવાન નાગરીક સમિતિ સુરત તરફથી કારગીલ વિજય દિને સમર્પણ ગૌરવ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા ૧૭ વિર જવાનોના પરિવારોને સન્માન સાથે આર્થિક સહયોગ અપાશે. ૧૯૯૯ના કારગીલ યુદ્ધ પછી તેના વિજયના માનમાં ૨૬ મીં જુલાઇ કા૨ગીલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જય જવાન નાગરીક સમિતિ સુરત અને લેઉવા પાટીદાર સમાજ અમેરીકાના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ ૨૬-૭-૨૦૨૧ સોમવારે સૌરાષ્ટ્ર પટેલ ભવન, વરાછા રોડ, સુરત ખાતે સાંજે ૬ કલાકે રાજ્યના મહામહીમ રાજયપાલ આચાર્ય દેવવ્રતજીની ઓનલાઇન ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે. કોવિડ-૧૯ની ગાઇડ લાઇનને ધ્યાનમાં રાખી મર્યાદિત લોકોની હાજરી કાર્યક્રમ યોજાશે અને સમગ્ર કાર્યક્રમનું ટી.વી. ચેનલ તથા સોશ્યલ મિડીયામાં જીવંત પ્રસારણ થનાર છે. દેશ માટે વિરગતિ પામેલ ૧૭ વિર જવાનો પૈકી ૬ જવાનોના પરિવારોને સુરત રૂબરૂ બોલાવેલ છે. બાકીના ૧૧ જવાનોના પરિવારોને કુલ રૂ।. ૧૮,૨૫,૦૦૦ લાખ રૂપિયાની સહાય પુરા સન્માન સાથે અર્પણ કરવામાં આવશે. સુરતથી કાર્યકર્તાઓની ટીમે દરેક વિર જવાનીના વતન તેમના પરિવારોની મુલાકાત લીધી છે. અને સુરતની લાગણી પહોંચાડી છે.

 

અત્યાર સુધીમાં કુલ ૫.૨૧ કરોડની સહાય ૧૯૯૯ ના કારગીલ યુદ્ધ સમયથી શરૂ થયેલ જય જવાન નાગરીક સમિતિ સુરત તરફથી અત્યાર સુધીમાં ૩૪૮ વિ૨ જવાનોના પરિવારો કુલ રૂપિયા ૫.૨૧ કરોડની સહાય અર્પણ કરવામાં આવી છે. છેલ્લા ૨૧ વર્ષથી આ પ્રવૃતિ અવિરત ચાલી રહી છે. જેમાં રાષ્ટ્ર પ્રેમી લોકો - શાળાઓ – બાળકો અને યુવા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આ સંસ્થા સાથે જોડાયેલ છે. દેશ માટે પ્રાણનું બલીદાન આપનાર વિર જવાનોના પરિવારનું સન્માન કરવુ, આર્થિક સહાય કરવી નાગરીકોમાં રાષ્ટ્રીય ચેતના પ્રગટાવવાના મુખ્ય ત્રણ હેતુઓ સાથે દર વર્ષ આ કાર્યક્રમનું આયોજન થાય છે.

 

લવજી બાદશાહ ૮ પોલીસ જવાનોના પરિવારોને આર્થિક સહાય આપશે

 

કોરોનાના મહાસંકટમાં સુરત પોલીસે પણ નોંધનિય કામગીરી કરી છે. કોરોના કાળમાં મોતના તાંડવ વચ્ચે પણ પોલીસે ફરજ બજાવી છે. કોરોના જંગ સુરત પોલીસના ૮ જવાનોએ જીવ ગુમાવ્યા છે. તેમના પરિવારોનું પણ સન્માન સાથે દરેકને એક – એક લાખની સહાય અર્પણ થશે. અગ્રણી લવજીભાઇ ડી. ડાલીયા તરફથી પોલીસ જવાનોના પરિવારોને સહાય અર્પણ થશે. આ આઠ જવાનોમાં બે મહિલા કોન્ટેબલનો સમાવેશ છે. કોરોના જંગમાં પોલીસ જવાનોને યાદ કરી તેમના પરિવારોને લોકો તરફથી સન્માન સાથે સહાય કરવાની આ પ્રથમ ઘટના છે.

 

મહેમાનોની રૂબરૂ તથા ઓન લાઇન હાજરી સમારોહના અધ્યક્ષ સ્થાને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઓનલાઇન ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે લવજીભાઇ બાદશાહ તથા ખાસ અતિથી તરીકે મુંબઇથી હિરા ઉદ્યોગના યુવા અગ્રણી શૈલેષભાઇ પી. લુખી હાજર રહેશે. આ ઉપરાંત સંસ્થાના માર્ગદર્શક બ્રિગેડીયર બી. એસ. મહેતા, કાર્યક્રમના સૌજન્ય દાતા મનહરભાઇ સાસપરા, સેવાભાવી ભરતભાઇ શાહ તથા સુરત જીલ્લા લેઉવા પાટીદાર સમાજના પ્રમુખ મુકેશભાઇ પટેલ અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

અમેરીકાથી લેઉવા પાટીદાર સમાજ (USA) તરફથી જવાનોના પરિવારોને આર્થિક સહાય કરવામાં આવી છે. તેમના પ્રમુખ નયનાબેન પટેલ તથા લેફટેનન્ટ કર્નલ મુકેશભાઇ રાઠોડ કાર્યક્રમમાં ઓનલાઇન જોડાઇ શુભેચ્છા આપશે. આ ઉપરાંત અમેરીકાથી મોટી સંખ્યામાં ગુજરાતિ સમાજના પરિવારો અને દાતાઓ કાર્યક્રમ ઓન લાઇન નિહાળશે. સુરત રૂબરૂ નથી બોલાવ્યા તેવા ૧૧ જવાનોના પરિવારો ઓનલાઇન જોડાઇને કાર્યક્રમમાં સહભાગી બનશે.

કારગીલ યુદ્ધમાં દુશ્મન દેશના ૨૨ સૈનિકોને ખાતમો કરનાર સુબેદાર ધર્મેન્દ્રસિંહ ખુમાણસિંહ વાળા સુરત ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તેઓ રાજકોટ જીલ્લાના ઉપલેટા નજીક ચરેલીયા ગામના વતની અને હાલ નિવૃતિ છે. અને બીજા બહાદુર જવાન વલ્લભભાઇ અરજણભાઇ બલદાણીયા જેઓએ ૧૯૯૨માં પાકિસ્તાનની સામેના ઓપરેશમાં ૪૫ને ઠાર કરનાર અને સેવા મેડલ અને સીલ્વર મેડલથી સન્માનિત થયેલા છે. તેવા વલ્લભભાઇ બલદાણીયા અમરેલીના ખાંભા તાલુકાના લાસા ગામે હાલ નિવૃત જીવન ગાળે છે. તેઓ પણ ખાસ સુરત કાર્યક્રમમાં અતિથી છે. લોકોના સહયોગથી કાર્યક્રમ યોજાય છે

જય જવાન નાગરીક સમિતિ સુરતના ટ્રસ્ટી કાનજીભાઇ આર. ભાલાળા જણાવે છે કે શહીદ જવાનોના પરિવાર માટે લોકોએ આપેલ ફંડનો દરેક રૂપિયો પરિવારો માટે જ છે. તે ફંડમાંથી કોઇ ખર્ચ કરવામાં આવતો નથી. કાર્યકર્તાઓની ટીમ સ્વખર્ચ પરિવારોની મુલાકાત લે છે. સમર્પણ ગૌરવ સમારોહની વ્યવસ્થામાં લોકોનું સૌજન્ય પ્રાપ્ત થાય છે. કાર્યક્રમનું સ્થળ સૌજન્ય સૌરાષ્ટ્ર પાટીદાર સોશ્યલ ટ્રસ્ટનું છે. પરિવારો માટે ઉતારા તથા ભોજન વ્યવસ્થા સૌજન્ય ઉમિયા પરિવાર ટ્રસ્ટ તરફથી છે. જ્યારે હોલમાં સોફા – ખુરશી વગેરે મંડપ વ્યવસ્થા આકૃિતિ મંડપ વાળા અશ્વિનભાઇ અકબરી તરફથી થશે. ફોટોગ્રાફિ સૌજન્ય નવકલા સ્ટુડીયોનું છે. દરેક પરિવાર તથા મહેમાનો માટે ચાંદીની સ્મૃતિમુદ્રા ધાની જ્વેલર્સના વિજયભાઇ માંગુકિયા આપે છે. એટલુ જ નહિ આમંત્રણ પત્રિકા તથા સન્માન વ્યવસ્થા ખર્ચ યુરો ઇન્ડિયા ફ્રેશ ફુટ લી. સુરત તરફથી છે. યુરોના  મનહરભાઇ સાસપ૨ા તથા દિનેશભાઇ સાસપરા તરફથી આ સૌજન્ય દર વર્ષે પ્રાપ્ત થાય છે. આવી રાષ્ટ્ર સેવા ભાવથી કાર્યકર્તાઓ, સંસ્થાઓ અને દાતાઓનો સહયોગ મળે છે. વર્ષ દરમ્યાન અસંખ્ય લોકો તરફથી જવાનોના પરિવારો માટે દાન પ્રાપ્ત થાય છે. એટલુ જ નહિ આ સંસ્થા સાથે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત ડાયમંડ એસોસીયએશન, સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ, સૌરાષ્ટ્ર પાટીદાર સોશ્યલ ટ્રસ્ટ, ધી વરાછા કો.ઓ.બેંક અને લોક સમર્પણ બ્લડ બેંક ૧૯૯૯થી સહયોગી તરીકે જોડાયેલ છે. આ ઉપરાંત વ્યવસ્થા માટે અનેક વિધ સંસ્થાઓના કાર્યકર્તાઓ નિષ્ઠા અને ઉત્સાહથી રાષ્ટ્ર પ્રેમ સાથે કામ કરે છે.

કોવિડ-૧૯ની ગાઇડ લાઇનનું પાલન સાથે કાર્યક્રમ યોજાશે

વર્તમાન કોવિડ–૧૯ની ગાઇડ લાઇનના પાલન સાથે સૌરાષ્ટ્ર પટેલ ભવન હોલમાં મર્યાદિત દાતા મહાનુભાવો અને કાર્યકર્તાઓની હાજરીમાં કાર્યક્રમ યોજાશે. વિર જવાનોને ભાવાંજલી સાથે કાર્યક્રમનું live પ્રસારણ થશે. ૨૧ વર્ષમાં પહેલી વાર ભારતથી બહાર અમેરીકાથી સંસ્થા કાર્યક્રમમાં સહભાગી બની છે. દક્ષિણ ગુજરાતના લેઉવા પાટીદાર સમાજના પરિવારો અમેરીકા સ્થાયી થયા છે. તેઓએ આર્થિક સહયોગ આપ્યો છે. તે તમામ પરિવારો ઓન લાઇન આપણી સાથે જોડાશે. લેઉવા પાટીદાર સમાજ અમેરીકાના મંત્રી ગીરીષભાઇ પટેલ જણાવે છે કે આ કાર્યક્રમ માટે ગુજરાતિઓમાં ભારે ઉત્સાહ છે. દેશ માટે પ્રાણનું બલિદાન આપનાર માટે અમારી આ ભાવાંજલિ છે. સંસ્થાના ટ્રસ્ટી કે. ડી. વાઘાણી, દેવચંદભાઇ જે. કાકડીયા તથા માવજીભાઇ ડી. માવાણી, સુરેશભાઈ જી. પટેલ, દેવશીભાઈ કે. ભડીયાદરા, મુકેશભાઈ એ. નાવડીયા વગેરેએ જણાવ્યું છે કે કાર્યક્રમના સ્થળે પ્રવેશવા પ્રવેશ પાસ જરૂરી છે. તેથી લોકોને ટી. વી. તથા સોશ્યલ મિડિયામાં કાર્યક્રમ નિહાળવા જાહેર અપીલ છે.

Author : Gujaratenews