સુરત ઈસ્કોન મંદિરની ભગવાન જગન્નાથની રથયાત્રા રદ, અમદાવાદઃ આજે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ યોજાશે, મંદિર પોલીસ છાવણીમાં ફેરવાયું

09-Jul-2021

surat/Ahmedabad: સુરતમાં સૌથી મોટી રથયાત્રા ઈસ્કોન મંદિર દ્વારા કાઢવામા આવતી હોય છે. જો કે, કોરોના સંક્રમણને લઈને ગત વર્ષે મોકૂફ રખાયેલી રથયાત્રાને આ વર્ષે ગાઈડલાઈન સાથે યોજવાની અનુમતી સરકાર દ્વારા આપવામાં આવી રહી છે ત્યારે સુરતના ઈસ્કોન મંદિર દ્વારા દરવર્ષે યોજાતી પરંપરાગત રથયાત્રા કડક ગાઈડલાઈન અને નિયમો અનુસાર નક્કી થયેલા રૂટની જગ્યાએ ટૂંકા રૂટ પર યોજવા પરવાનગી આપવામાં આવતાં મંદિરના સંચાલકો દ્વારા યાત્રા રદ કરવામાં આવી છે. કોરોનાકાળમાં ગત વર્ષે પણ સુરતમાં છેલ્લા ૨૭ વર્ષથી યોજાતી ભગવાન જગન્નાથની પારંપરિક રથયાત્રા નીકળી શકી ન હતી, જેને આ વર્ષે પણ ગ્રહણ લાગ્યું છે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈનને લઈને અસમંજસ જોવા મળી રહી છે. એક તરફ ખેંચવા માટે ૧૦૦ જેટલા હરિભક્તોની જરૂરિયાત હોય છે, ત્યારે સુરત પોલીસ દ્વારા માત્ર ૬૦ જેટલા ભક્તોની જ મંજૂરી આપવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે જે રૂટ છે તે પણ ટૂંકાવી દેવામાં આવ્યો છે. અત્યાર સુધી સુરત પોલીસ દ્વારા પાલનપુર પાટિયાથી રથને લઈ જવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે છેલ્લા સમયે રથયાત્રા મોરાભાગળથી શરૂઆત કરવાનું કહેતા મંદિરના મહંત દ્વારા રથયાત્રા નહિ કાઢવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. તમામ હરિભક્તોએ વેક્સિનના બંને ડોઝ લઇ લીધો હોવા છતાં પોલીસ દ્વારા આરટીપીસીઆર ટેસ્ટ ફરજીયાત આપવાનું કહેતા મહંતોમાં નિરાશા જોવા મળી હતી.

ઈસ્કોન મંદિર વતી સતચિતકુમાર દાસે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા અગાઉ નિયમો જાહેર કર્યા બાદ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેમાં અમને અગાઉ જે નિયમાવલિ અપાઈ હતી તે પ્રમાણે અમે 200 લોકોનું લિસ્ટ મોકલી આપ્યું હતું. જેમાં રસી લેનારાની યાદી મોકલાઈ હતી. જો કે ગત રોજ પોલીસ અધિકારીઓ દ્વારા મંદિર પર આવીને અગાઉના આયોજનની જગ્યાએ નવું આયોજન તથા માત્ર સાત લોકો સાથે યાત્રા યોજવા પરવાનગી આપી હતી.જેથી અમે યાત્રા રદ કરવાનો નિર્ણય કર્યો છે.

ઈસ્કોન મંદિર દ્વારા જણાવાયું હતું કે, અગાઉ પાલનપુર પાટીયાથી જહાંગીરપુરા સુધીનો રૂટ નક્કી થયો હતો. જો કે ગતરોજ ગાંધીનગરથી આવેલી નવી ગાઈડલાઈન પ્રમાણે મોરાભાગળથી હાંગીરપુરા સુધીનો રૂટ નક્કી કરાયો હતો. જેની સામે આરટીપીસીઆર ટેસ્ટ સાથે મર્યાદિત લોકોને પરવાનગી અપાતા યાત્રા રદ કરાઈ છે.હવે 12મી જુલાઈના રોજ માત્ર મંદિરમાં જ દર્શન કરાવવામાં આવશે. જે ભાવિકો આવશે તેમને સોશિયલ ડિસ્ટન્સના નિયમો પ્રમાણે દર્શન કરાવાશે.   

અમદાવાદમાં દર વર્ષે અષાઠી બીજે પરંપરાગત રીતે યોજાતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને રાજ્યસરકારે શરતી લીલીઝંડી આપી દીધી છે. 12મી જુલાઇને સોમવારે રથયાત્રાના રૂટ ઉપર કરફ્યુ રહેશે. એટલું જ નહીં સમગ્ર રૂટ પર પ્રસાદ વિતરણ ઉપર પ્રતિબંધ રહેશે. રથયાત્રાને નીકળવામાં હવે અંતિમ ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે સમગ્ર મંદિર પરિસર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું છે. રાજ્યના ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ આજે સમગ્ર સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. પ્રદિપસિંહ રથયાત્રાના રૂટ પર સુરક્ષાની ચકાસણી કરી હતી. જાડેજાએ ભગવાનના ત્રણેય રથ અને અન્ય પાંચ વાહનોની ગતિવિધિનું પણ નિરીક્ષણ કર્યું હતું.

Author : Gujaratenews