ગુજરાત ટાઈટન્સે મેટાવર્સ પર લોન્ચ કર્યો પોતાનો લોગો, પતંગ પરથી પ્રેરણા લઈને કર્યો છે ડિઝાઈન
20-Feb-2022
રિપોર્ટ: રાજ કીકાણી, મુંબઈ
રવિવારે ગુજરાત ટાઈટન્સની ટીમ દ્વારા મેટાવર્સમાં પોતાનો લોગો લોન્ચ કરવામાં આવ્યો હતો. કોચ આશિષ નેહરા, કેપ્ટન હાર્દિક પંડ્યા અને બેટ્સમેન શુભમન ગિલે લોગો લોન્ચ કરી મેટાવર્સમાં સૌ પ્રથમ વખત સંવાદ પણ કર્યો હતો. મેટાવર્સમાં પોતાની ઉપસ્થિતિ નોંધાવનાર ગુજરાત ટાઈટન્સ આઈપીએલની સૌ પ્રથમ ટીમ છે. ગુજરાત ટાઈટન્સના લોગોની ખાસિયત શું છે તે અંગે જાણો.
Gujarat Titans Metaverse Logo: IPL 2022ની સિઝનમાં ગુજરાત ટાઈટન્સની(Gujarat Titans) એન્ટ્રી થઈ ચૂકી છે. આઈપીએલ મેગા ઓક્શનમાં પણ અનેક ખેલાડીઓને ઊંચી કિંમતે ખરીદીને ગુજરાત ટાઈટન્સની ટીમે અન્ય ટીમોને પ્રભાવિત કરી હતી. હવે આઈપીએલમાં સૌ પ્રથમ વખત મેટાવર્સ (Metaverse) પર પોતાની ઉપસ્થિતિ નોંધાવનાર ગુજરાત ટાઈટન્સ આઈપીએલની સૌ પ્રથમ ટીમ બની ગઈ છે. રવિવારની સાંજે ગુજરાત ટાઈટન્સ દ્વારા પોતાની ટીમનો નવો લોગો મેટાવર્સ પર લોન્ચ કરવામાં આવ્યો હતો. ટીમના હેડ કોચ આશિષ નેહરા, કેપ્ટન હાર્દિક પંડ્યા અને બેટ્સમેન શુભમન ગિલ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. અને મેટાવર્સમાં ટાઈટન્સ ડગઆઉટમાં (Titans Dugout) તેઓએ સૌ પ્રથમ સંવાદ પણ કર્યો હતો.
ગુજરાત ટાઈટન્સની ટીમ દ્વારા એક નિવેદન બહાર પાડીને જણાવવામાં આવ્યું છે કે, આ લોગોનો અર્થ સતત ઊંચાઈ પર પહોંચવું અને સફળતા હાંસલ કરવા માટે પ્રેરિત કરે છે. અને આ લોગોની ડિઝાઈનની પ્રેરણા પતંગ પરથી લેવામાં આવી છે. પતંગ આકાશમાં જેમ ઊંચે ઉડે છે તેવી જ રીતે ટીમ પણ આઈપીએલમાં નવી ઊંચાઈઓને હાંસલ કરશે. આ ઉપરાંત પતંગ ચગાવવા અને ઉત્તરાયણનું ગુજરાતમાં ખુબ જ મહત્વ છે અને તે સંસ્કૃતિનો એક ભાગ છે, ત્યારે ટાઈટન્સનો લોગો ગુજરાતની સંસ્કૃતિની ઝલક આપે છે. આ ઉપરાંત ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાત ટાઈટન્સ દ્વારા યંગ અને એનર્જેટિક સ્ક્વોડ બનાવવામાં આવી છે, અને We Stop at Nothing મંત્રને અનુસરે છે.
IPL 2022ની સિઝન માટે બે નવી ટીમો અમદાવાદ અને લખનૌને સામેલ કરવામાં આવી હતી. અમદાવાદની ટીમે પોતાનું નામ ગુજરાત ટાઈટન્સ રાખ્યું છે. સીવીસી ગ્રૃપ દ્વારા 5625 કરોડ રૂપિયામાં અમદાવાદની ટીમને ખરીદવામાં આવી હતી. ભારતીય ઓલ રાઉન્ડર અને ગુજરાતી સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાને આ ટીમનો કેપ્ટન બનાવાયો છે. જ્યારે આશિષ નહેરાને ટીમનો હેડ કોચ બનાવવામાં આવ્યો છે. જ્યારે ગેરી કર્સ્ટન ટીમનો મેન્ટર અને બેટિંગ કોચ હશે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024