સુરતના ડુમસ નજીક ફેસબુક ફ્રેન્ડે બ્યુટી પાર્લર ચલાવતી પરિણીતાને કેફી પીણું પીવડાવી લાજ લૂંટી
13-Jun-2021
સુરતના મોટાવરાછા વિસ્તારમાં રહેતી અને બ્યુટી પાર્લર ચલાવતી ૩૮ વષીય પરિણીતાને ઈમ્પોર્ટ-એક્ષ્પોર્ટના ધંધામાં પાર્ટનર બનાવવાની લાલચ આપી વેસુના ફેસબુક ફ્રેન્ડે મિત્રતા ગાઢ બનાવ્યા બાદ ડુમસ સ્થિત મિત્રના બંગલામાં લઈ જઈ બળજબરીથી કેફી પીણું પીવડાવ્યા બાદ દુષ્કર્મ આચર્યું હતું. ફેસબુક ફ્રેન્ડે પરિણીતાને બિભત્સ ફોટા બતાવી તારા પણ આવા ફોટા પાડી દીધા છે કહી બદનામ કરવાની ધમકી આપી અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીની વતની અને સુરતમાં મોટાવરાછા વિસ્તારમાં રહેતી અને બ્યુટી પાર્લર ચલાવતી ૩૮ વષીય પૂજા (નામ બદલ્યું છે) એ બે વર્ષ અગાઉ મૂળ અમદાવાદના વતની અને સુરતના વેસુમાં ઓફિસ ધરાવતા મનોજ વસોયા (પટેલ) નામના યુવાનને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મિત્ર બનાવ્યો હતો. બંનેએ બાદમાં એકબીજાને પોતાનો મોબાઈલ નંબર આપતા તેમની વાતચીત થતી હતી અને તેઓની મિત્રતા ગાઢ બની હતી. બાદમાં મનોજે પૂજાને પોતાની વેસુ સ્થિત ઓફિસે બોલાવી બ્યુટી પાર્લરના ધંધા કરતા વધુ ફાયદો કેરી, જીરૂ મગફળી તેમજ અન્ય ચીજવસ્તુના ઇમ્પોર્ટ-એક્ષ્પોર્ટના ધંધામાં છે કહી પાર્ટનર બનાવવાની વાત કરી હતી. તે સમયે મનોજે પૂજાને ઠંડુપીણું પીવડાવતા તે બેભાન થઈ ગઈ હતી અને મનોજ તેને ઓફિસના બીજા રૂમમાં લઈ ગયો હતો. દોઢ કલાક બાદ ભાનમાં આવેલી પૂજા એક્ટીવા લઈ ઘરે ગઈ હતી અને પતિને આ અંગે કોઈ વાત કરી નહોતી.
ત્યારબાદ તેઓ મળતા રહ્યા હતા અને તે સમયગાળામાં મનોજે પૂજાની ઓળખાણ તેના મિત્ર સંજય સંખેડા, દિનાબેન સુરતી સાથે કરાવી હતી અને ધંધાની વાતચીત કરવા તેને પોતાની કારમાં ડુમસના સુલતાનાબાદ ખાતે સાગરવિલા બંગ્લોઝમાં આવેલા મિત્ર બિપીનભાઈ રામાણીના બંગલામાં લઈ જતો હતો. ત્યાં પૂજાની ઓળખાણ બિપીનભાઈ સાથે પણ થઈ હતી. મનોજ તે સમયે તેના મિત્રો સાથે ફ્રેન્ડશીપ કરવા પૂજાને દબાણ કરતો હતો પણ પૂજાએ ફ્રેન્ડશીપ કરી નહોતી. ત્યાર બાદ આશરે ત્રણ મહીના પછી મનોજે પૂજાને ઘરેથી ચાર વ્યક્તિની રસોઈ બનાવીને લાવવા કહ્યું હતું. આથી પૂજા ૨૩ ઓક્ટોબર ૨૦૨૦ ના રોજ મનોજની કારમાં દિનાબેન, સંજય સંખેડા સાથે ડુમસ ખાતે બિપીનભાઇ રામાણીના બંગલા પર ગઈ હતી. ત્યાં જમ્યા બાદ તેને કેફીપીણું પીવડાવતા તે અર્ધબેભાન થઈ ગઈ હતી.
આરામ કરવા ઉપરના બેડરૂમમાં સુતેલી પૂજાની સાથે મનોજે દુષ્કર્મ કર્યું હતું. બે ત્રણ કલાક તેને સારુ લાગતા તે ઉપર રૂમમાંથી નીચે આવી ત્યારે મનોજે છોકરીના બિભત્સ ફોટા મને બતાવી કહ્યું હતું કે તારા પણ બિભત્સ ફોટા અમે પાડી લીધા છે અને જ્યારે હું તને બોલાવુ ત્યારે તારે મારી પાસે આવવુ પડશે. પૂજાએ આ બનાવ અંગે પતિને જાણ કરી નહોતી. જોકે, ત્યાર બાદ મનોજ તેને ફોન કરી બોલાવતો અને પૂજા ઇન્કાર કરે તો બદનામ કરવાની ધમકી આપતો હતો. આથી પૂજા તેની પાસે જતી અને તે રીતે મનોજે પૂજા સાથે અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો. આ પ્રકરણમાં આખરે પૂજાએ પતિને જાણ કર્યા બાદ ગતરોજ મનોજ વસોયા અને તેને મદદ કરનાર પિન્ટુ વસોયા, સંજયભાઇ સેખડા, દિનાબેન વિરુદ્ધ ડુમસ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
05-Mar-2025