ડુમસ બીચને ઇકો ટુરિઝમ પાર્ક બનાવવા 500 કરોડનો ખર્ચ થશે, 10.64 કરોડના કામનું પ્લાનિંગ કરાયું

16-Jul-2021

સુરતમાં ફરવા માટે બહુ ઓછા સ્થળો છે. તેથી વિકેન્ડમાં ફરવા જવા માટેના સ્થળો વિકસાવવા સુરત પાલિકા ભાર મુકી રહી છે. હવે સુરતને મળેલા દરિયાકાંઠાને વિકસાવી વિસ્તારને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા સુરત પાલિકા ડુમસ બીચ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. ડુમસમાં દરિયાકાંઠાની 29 એકર અને સરકાર હસ્તકરની 78 હેક્ટર જમીન મળી કુલ 107 હેક્ટર જમીન પર ઇકો ટુરિઝમ પાર્ક સહિતના આયોજનો સાથે 10.64 કરોડનો ખર્ચ કરવાનો નિર્ણય લેવાયો છે.
આ સમગ્ર પ્રોજેક્ટ ડેવલપમેન્ટ માટેનો ખર્ચ રૂપિયા અંદાજે 500 કરોડ થઇ શકે છે. પ્રોજેક્ટ કન્સલ્ટન્ટથી માંડીને ડીટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાનું ચાલુ છે. તેમજ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપથી આ પ્રોજેક્ટ સાકાર થશે તેવું નક્કી થઈ ચૂક્યું છે. ત્યારે હવે આ પ્રોજેક્ટ માટે જમીન જરૂરી છે . જોકે આ જમીન સરકારી જ છે.

તેથી જો રાજ્ય સરકારના કોઈ વિભાગ આ પ્રોજેક્ટ માં ભાગીદારી કરે તો મનપાને જમીન ખરીદીનો ખર્ચ બચાવી શકાય તેમ હોવાથી રાજ્ય સરકારના પ્રવાસન વિભાગે આ પ્રોજેક્ટમાં ભાગીદાર બનાવવા મહાનગરપાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ અગાઉ પણ રજૂઆત કરી હતી. જેને મુખ્યમંત્રીએ સંમતિ આપી હતી.

પરંતુ કોરોનાને કારણે આ કામ ખોરંભે પડયું હતું. પણ હવે તેમાં આગળ વધવા માટે મનપાએ રાજ્ય સરકારને રિમાઇન્ડ લેટર લખીને પ્રવાસન વિભાગ, ફોરેસ્ટ વિભાગ અને સુરત મનપા સંયુક્ત રીતે આ પ્રોજેકટ હાથ ધરે તેવું આયોજન કરવા રજૂઆત કરી છે. જેમાં ફોરેસ્ટ વિભાગની જમીન પર ફોરેસ્ટ વિભાગ આયોજન કરશે અને બાકીની જમીન પર મનપા અને પ્રવાસન વિભાગના સંયુક્ત રીતે પીપીપી ધોરણે આયોજન કરે તેવું સૂચન કરાયું છે.

Author : Gujaratenews