ડીજીપીના આદેશને પગલે ૨ મહિનાથી રાજ્યવ્યાપી ડ્રાઈવ: ૧૭૩ નકલી ડોક્ટર ઝડપાયા

10-Jun-2021

અમદાવાદ: રાજ્યમાં કોરોનાકાળમાં સારવારના બહાને પ્રેક્ટિસ કરતાં ૧૭૩ નકલી ડોક્ટર્સ ઝડપાયા છે. ડીજીપીના આદેશને પગલે ૨ મહિનાથી રાજ્યવ્યાપી ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં ૧૭૩ નકલી ડોક્ટરો ઝડપાયા છે. કોરોનાને કારણે અનેક તબીબોએ પોતાની ઓપીડી બંધ કરી દેતા આવા લેભાગુ તબીબો સક્રિય થયા હતા અને દવાખાનું ખોલીને બેસ્યા હતા. કોરોના કાળમાં નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં મોટી હોસ્પિટલો નથી, ત્યાં અમુક લેભાગુ તત્વો તબીબી સારવારના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં હોવાનું પોલીસ તંત્રના ધ્યાન પર આવ્યુ હતું. નકલી ડોક્ટરોને પકડવા પોલીસે રાજ્યભરમાં ૨ મહિના સુધી ખાસ ડ્રાઇવ હતી. મોટાભાગના કિસ્સામાં બહારના રાજ્યમાંથી આવી કોઈ જ ડિગ્રી વગર જ દવાખાના ખોલી નાંખીને ગ્રામ્ય વિસ્તારોમાં નકલી ડોક્ટરો પ્રેક્ટિસ કરતા ઝડપાયા છે. ડીજીપીના આદેશ બાદ એસઓજીની ટીમ સક્રિય બની હતી. છેલ્લાં દોઢ-બે વર્ષમાં દવાખાનાં શરૂ કરનારા ૨ હજાર ડોક્ટરોની તપાસ કરી હતી, જેમાંથી ૧૬૯ નકલી દવાખાનાં શરૂ કરી દેનારા ૧૭૩ નકલી ડોક્ટરો પકડાયા હતા. જેમાં ચોંકાવનારી માહિતી તો એ હતી કે, માંડ ધોરણ ૧૦ ભણેલા લોકો પણ તબીબ બનીને લોકોની સારવાર કરતા હતા. કોરોના કાળમાં નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં મોટી હોસ્પિટલો નથી, ત્યાં અમુક લેભાગુ તત્વો તબીબી સારવારના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં હોવાનું પોલીસ તંત્રના ધ્યાન પર આવ્યુ હતું. જેના બાદ દર્દીની તબિયત બગડે એટલે મોટી હોસ્પિટલમાં રિફર કરી સ્વાસ્થ્યને જોખમમાં મુકવામાં આવતું હોવાનું ડીજીપી આશિષ ભાટિયાના ધ્યાન પર આવ્યું હતું. જેથી ડીજીપીએ રાજ્યભરમાં નકલી ડોક્ટરને શોધી કાઢવા આદેશ કર્યો હતો. સાણંદના અણિયારી ગામે ડિગ્રી વગર એલોપેથીનું દવાખાનું ચલાવી તબીબ લોકોને દવાઓ આપતો હતો. આ ઝોલાછાપ ડોક્ટરને ગ્રામ્ય એસઓજીએ ઝડપ્યો હતો. તો અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ વધુ એક બોગસ ડોક્ટરની ધરપકડ કરી હતી. વટામણ નજીકથી હેમંત રોય નામના બોગસ ડોક્ટરની ધરપકડ કરી હતી. આ આરોપી ડોક્ટર કોઈ પણ ડીગ્રી વિના જ લોકોની સારવાર કરતો હતો.

Author : Gujaratenews