દિલ્હીમાં 31 મેથી શરૂ થશે અનલોકની પ્રક્રિયા,

28-May-2021

નવી દિલ્હી: દેશની રાજધાનીમાં 31 મે સવારે 5 સુધી જ લોકડાઉન રહેશે. દિલ્હી (Delhi) માં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેને જોતા હવે દિલ્હી સરકારે અનલોક કરવાનું નક્કી કર્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે દિલ્હીમાં અનલોકની પ્રક્રિયા 31મી મેથી તબક્કાવાર રીતે શરૂ થશે. 
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal)  જણાવ્યું કે એલજીની અધ્યક્ષતામાં લોકડાઉન ખોલવા અંગે બેઠક થઈ. દિલ્હીમાં 31મી મેથી નિર્માણ ગતિવિધિઓની બહાલી અને કારખાનાઓને ફરીથી ખોલવા માટે મંજૂરી અપાશે. તેમણે કહ્યું કે દિલ્હીમાં સંક્રમણ દર ઘટીને 1.5 ટકા થયો છે. પરંતુ વાયરસ વિરુદ્ધ હજુ પણ લડાઈ ખતમ થઈ નથી.દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1072 નવા કેસ નોંધાયા છે. જ્યારે 117 લોકોના મોત થયા છે. 30 માર્ચ બાદ એક દિવસમાં આ સૌથી ઓછા મામલા નોંધાયા છે. જ્યારે 15 એપ્રિલ બાદ સૌથી ઓછો મોતનો આંકડો છે. અત્રે જણાવવાનું કે દિલ્હીમાં 30 માર્ચના રોજ 992 કેસ નોંધાયા હતા. જ્યારે 15 એપ્રિલના રોજ 112 લોકોના કોરોનાથી મોત થયા હતા. દિલ્હીમાં સંક્રમણ દર ઘટીને 1.53 ટકા થયો છે. જે 24 માર્ચ બાદ સૌથી ઓછો છે. 24 માર્ચના રોજ દિલ્હીમાં સંક્રમણ દર 1.52 ટકા હતો.

Author : Gujaratenews