અમદાવાદ : કોરોનામાંથી સાજી થઈ પત્ની હોસ્પિટલમાંથી સ્વસ્થ થઇને ઘરે આવતાં પતિએ પત્નીની 4 બહેનપણીઓને પોતાના ઘરે બોલાવી દારૂની પાર્ટી યોજી હતી. પોલીસને જાણ થતા પોલીસે દરોડો પાડી પતિ-પત્ની અને 4 બહેનપણીઓને દારૂના કેસમાં તમામ છની ધરપકડ કરી હતી.
થલતેજ-શીલજ રોડ પરના ગ્રીન એવન્યુ મેપલ કાઉન્ટી-1ના એક ફ્લેટમાં મહિલાઓ દારૂની મહેફિલ માણતી હોવાનો સંદેશો સોલા હાઈકોર્ટ પોલીસને મળતાં પીઆઈ જે.પી.જાડેજા અને પીએસઆઈ એમ.જે.હુણે સ્ટાફ સાથે પહોંચી ફ્લેટનો દરવાજો ખખડાવતા કેતન ગિરિશચંદ્ર પાટડિયા(43)એ દરવાજો ખોલ્યો હતો. જ્યારે પોલીસે અંદર જોયું તો 4 મહિલાઓ ટેબલની આસપાસ બેઠી હતી અને ટેબલ પર દારુની બોટલ(બ્લેક લેબલ), 5 ગ્લાસ, બાયટિંગનો સામાન પડ્યો હતો. પોલીસે તપાસ કરતા કેતન દારૂ પીધેલી હાલતમાં હતો.જ્યારે ત્યાં હાજર 5 મહિલાઓમાંથી કેતનની પત્ની અમોલા(42)એ દારૂ પીધો ન હતો. જ્યારે અન્ય 4 મહિલાઓએ દારૂ પીધો હતો. પોલીસે તમામની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે કોરોનાગ્રસ્ત અમોલાબેનને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જેઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી હતી. જેના માનમાં કેતનભાઈએ પત્નીની 4 બહેનપણીઓને પાર્ટી માટે ઘરે બોલાવી હતી.પત્નીની દવા ચાલુ હોવાથી તે પાર્ટીમાં જોડાઈ ન હતી, ફક્ત જોડે બેઠી હતી.
કોરોનામાંથી પત્ની સાજી થઈ તો પતિએ તેની 4 બહેનપણીઓને દારૂની પાર્ટી આપી
16-May-2021



14-Dec-2025