સોનુ સુદે ‘કવરેજ’ એપ લોન્ચ કરી, કહ્યું- લોકો માટે આ એપ વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરવા મદદ રૂપ સાબિત થશે

29-Jun-2021

મુંબઈ, :એક્ટર સોનુ સુદે તાજેતરમાં એક એપ લોન્ચ કરી છે, જેનું નામ ‘કવરેજ’ છે. ‘કવરેજ’ના માધ્યમથી, જે લોકોને વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરવામાં મુશ્કેલી થઈ રહી છે, તે લોકો માટે આ એપ મદદરૂપ સાબિત થશે. રૂરલ એરિયામાં લોકોના મનમાં વેક્સિનને લઈને ડર છે, જે લોકો વેક્સિન લેવા માગે છે તેમને રજિસ્ટ્રેશન કરવામાં મુશ્કેલી થઈ રહી છે. આ જ કારણ છે કે સોનુએ આ એપ લોન્ચ કરી છે. સોનુ સુદે જણાવ્યું, ‘કવરેજ’ વેક્સિન રજિસ્ટ્રેશનની રૂરલ-સ્પેસિફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને જરૂરી સહાય પૂરી પાડે છે. તે રજિસ્ટ્રેશનને આગળ વધારવામાં મદદ કરશે.

 

સોનુ સુદે જણાવ્યું, ભારતમાં કોરોનાની વિરુદ્ધ લડાઈ માટે વેક્સિનેશનની જરૂરિયાત છે. રૂરલ ઈન્ડિયા કોરોના મહામારીનો સામનો કરવા માટે હજી પણ સંઘર્ષ કરી રહ્યું છે અને હવે તેને વેક્સિન રજિસ્ટ્રેશન કરવામાં પણ સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી ‘કવરેજ’ ગ્રામીણ ભારતની સમજના આધારે બનાવવામાં આવી છે અને તેની જરૂરિયાતોને મહિનાઓ સુધી ઓન-ગ્રાઉન્ડ વર્ક દ્વારા ઓબ્ઝર્વ કરવામાં આવી છે.

 

સોનુ સુદે છેલ્લા ૧૪-૧૫ મહિના દરમિયાન હજારો લોકોને આગળ લાવવા અને જરૂરિયામંદ લોકોની મદદ કરવા માટે પ્રેરિત કર્યા છે. મે ૨૦૨૦માં કોરોના મહામારીને કારણે દેશવ્યાપી લોકડાઉન દરમિયાન ફસાયેલા હજારો પ્રવાસી મજૂરોને તેમની ઘર વાપસી માટે બસો, ખાસ ટ્રેનો અને ચાર્ટર્ડ ફ્લાઈટની વ્યવસ્થા કરીને તેમને પોતાના ઘરે પહોંચાડવામાં મદદ કરી હતી.

Author : Gujaratenews