અંકલેશ્વરમાં ભારત બાયોટેકની COVAXIN નું ઉત્પાદન થશે , હાલમાં હૈદરાબાદ અને બેંગાલુરુમાં મોટાપાયે વેક્સિનનું ઉત્પાદન

20-May-2021

કોરોના (CORONA) મહામારીના કારણે હજારો લોકો સંક્રમિત થયા છે અને સેંકડોએ જાનથી હાથ ધોયા છે. હાલના સમયમાં કોરોનની કોઈ દવા શોધાઈ નથી ત્યારે પ્રિવેન્ટિવ સ્ટેપ્સ અને વેક્સીન(VACCINE) કોરોના સામેની લડતમાં મજબૂત હથિયાર માનવામાં આવી રહ્યા છે.

ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા(serum institute of india)ની કોવીશિલ્ડ(covishield)અને ભારત બાયોટેક(bharat biotech)ની કોવેક્સિન(covaxin)હાલમાં વેક્સીન અપાઈ રહી છે. દેશમાં દરેક નાગરિકને વેક્સિનની જરૂર છે ત્યારે ઉત્પાદન વધારવા ઉપર ભાર અપાઈ રહ્યો છે. હવે ભારત બાયોટેકની વેક્સીન કોવેક્સિનનું ઉત્પાદન અંકલેશ્વરમાં થવા જઈ રહ્યું છે.

ભારત બાયોટેકના CoFounder અને JMD સુચિત્રા એલ્લાએ ટ્વીટ દ્વારા જાણકારી આપી છે કે અંકલેશ્વર સ્થિત કંપનીની સબ્સિડરી Chiron Behring Vaccines માં ઉત્પાદન શરૂ કરશે.સૂત્રો અનુસાર જૂનના પહેલા સપ્તાહથી ફોર્મ્યુલેશન અને પેકિંગની પ્રક્રિયા શરૂ કરાઈ શકે છે જયારે ટૂંક સમયમાં કંપનીની બે લાઈનમાં પ્રોડક્શનની પ્રક્રિયા પણ શરૂ થઇ જશે.

હાલમાં હૈદરાબાદ અને બેંગાલુરુમાં મોટાપાયે વેક્સિનનું ઉત્પાદન કરાઈ રહ્યું છે. દેશમાં વેક્સિનની મોટી માંગના કારણે હવે અંકલેશ્વરમાં પણ વેક્સિનનું ઉત્પાદન શરુ કરશે. અંકલેશ્વર સ્થિત સબ્સિડરી Chiron Behring Vaccines ની વાર્ષિક ૨૦૦ મિલિયન ડોઝ ઉત્પાદનની ક્ષમતા છે. યુનિટ તેના રેબિસની વેક્સિનના ઉત્પાદનને અટકાવી કોરોના વેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે.

ગુજરાતમાં શરૂ થનાર આ ઉત્પાદનના કારણે ગુજરાતીઓને વિશેષ લાભ મળશે કે નહિ તે ઉપર હજુ કોઈ સ્પષ્ટતા થઇ નથી જોકે ગુજરાતની ધરા ઉપર વૈશ્વિક મહામારીને નાથવા માટે મહત્વનું શસ્ત્ર મનાતી વેક્સિનનું ઉત્પાદન મહત્વની અને ગર્વની બાબત મનાઈ રહી છે.

Author : Gujaratenews