સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરેલા આઇશોલેશન સેન્ટરમાં બે કોર્પોરેટર બાખડ્યા

16-May-2021

સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરેલા આઇશોલેશન સેન્ટરમાં બે કોર્પોરેટર બાખડ્યા હતા. કોર્પોરેટર ઘનશ્યામ મકવાણા અને કુંદન કોઠિયા વચ્ચે આઇસોલેશન સેન્ટર પર માથાકૂટ થઈ હતી. જેમાં ઘનશ્યામ મકવાણાએ કહ્યું હતું કે, ખાલી ફોટો પડાવવા આવો છો બહાર નીકળો. જેથી કુંદનબેન કોઠિયાએ કહ્યું કે, તું તારી લિમિટમાં રહે, હું તારી પથારી ફેરવી નાખીશ. આ સમગ્ર માથાકૂટનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો પોતાની પ્રસિદ્ધિ માટે અને સેવાકીય જશ ખાટવા માટે હવે એકબીજાની સામસામે અંદરોઅંદર ઝઘડી રહ્યા હોવાનો વીડિયો વાઇરલ થયો છે. કાપોદ્રા વોર્ડ નંબર 4ના કોર્પોરેટર ઘનશ્યામ મકવાણા અને કુંદન કોઠિયા વચ્ચે આઇશોલેશન સેન્ટરમાં કામગીરી બાબતે ઉગ્ર ઝઘડો થતાં આમ આદમી પાર્ટીમાં સોપો પડી ગયો છે. સોશિયલ મીડિયા ઉપર સતત પ્રજાની સેવા કરવાના ફોટો અને વીડિયો વહેતા કરીને જશ ખાટવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે દરમિયાન જ આ વીડિયો આમ આદમી પાર્ટીની કામગીરી ઉપર મોટો પ્રશ્ન ઊભો કરી રહ્યો છે.

કાપોદ્રામાં આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરેલા આઇશોલેશન સેન્ટરમાં જોવા જેવી થઈ હતી. આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર કુંદન કોઠિયા અને ઘનશ્યામ મકવાણા વચ્ચે નિમ્ન સ્તરની શાબ્દિક ટપાટપી થઈ હતી. ઘનશ્યામ મકવાણાએ કુંદન કોઠિયા પર આક્ષેપ કર્યો હતો કે તેઓ માત્ર ફોટા પડાવવા માટે અહીં આવે છે અને તેથી તેમણે આઇસોલેશન સેન્ટરમાંથી તાત્કાલિક નીકળી જવા માટે સંભળાવી દીધું હતો. ઘનશ્યામ મકવાણાએ કુંદન કોઠિયાની સામે સીધા આક્ષેપો કર્યા હતા. જેને લઈને આઇસોલેશન સેન્ટરમાં પણ થોડા સમય માટે તમામ લોકો સ્તબ્ધ થઈને સાંભળતા રહ્યા હતા.

 

કાર્યકર્તા પણ શરમજનક સ્થિતિમાં મુકાઇ ગયા

કુંદનબેને કહ્યું કે, તને લાખ રૂપિયા જોઈતો હોય તો હું આપી દઉં પણ તું અહીંથી નીકળ. તું મને અહીંથી કાઢવાવાળો કોણ છે. હું તારી પથારી ફેરવી નાખીશ. મને તારી કોઈ જરૂર નથી, તારી ઓકાત નથી મારી સાથે વાત કરવાની આવા શબ્દો બોલતા પાર્ટીના કાર્યકર્તા પણ શરમજનક સ્થિતિમાં મુકાઇ ગયા હતા. કુંદન કોઠિયાને ઘનશ્યામ મકવાણા એકબીજા ઉપર આક્ષેપો કર્યા હતા.

 

પાર્ટી પ્રવક્તાએ કોર્પોરેટરોને ઓળખવાની ના પાડી દીધી

આ બાબતે આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાધવાનીએ પોતાના જ પાર્ટીના કોર્પોરેટરોને ઓળખવાની ના પાડી દીધી હતી. યોગેશ જાદવાણીએ કહ્યું કે, હું વીડિયોમાં દેખાતા વ્યક્તિને ઓળખતો નથી. પોતાને જ પાર્ટીના કાપોદ્રાના કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાને પ્રવક્તા ઓળખવાની ના પાડતા હોય તો પાર્ટીની અંદર કયા પ્રકારનો માહોલ છે, તે સમજી શકાય છે. સેવાના નામે આમ આદમી પાર્ટીના નેતાઓ હવે પ્રસિદ્ધિ મેળવવા માટે એકબીજા ઉપર જ આક્ષેપ કરવાનું શરૂ કરી દીધું છે. જોકે પાર્ટીના પ્રવક્તાએ પોતાના જ પાર્ટીના શીર્ષ નેતાઓને ઓળખવાની ઇનકાર કરી દે તો સમજી શકાય કે પાર્ટી કેટલી નામોશી પરિસ્થિતિમાં મુકાઈ ગઈ છે.

Author : Gujaratenews