દેશમાં કોરોનાના નવા 3.26 લાખથી વધુ કેસ, 3,876 મોત

15-May-2021

દેશમાં એક જ દિવસમાં કોરોનાના 3.26 લાખથી વધુ કેસ નોંધાયા છે. કોરોનાના એક જ દિવસમાં 3 હજાર 876 દર્દીઓનો ભોગ લીધો. અત્યાર સુધીમાં કુલ 2 લાખ 66 હજાર 229 લોકોને કોરોના ભરખી ગયો છે. એક જ દિવસ દરમિયાન દેશમાં 3.53 લાખ દર્દીઓ સાજા થયા છે. સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રમાં છે, જ્યાં એક દિવસના સૌથી વધુ 39 હજાર 923 કેસ નોંધાયા છે. દેશમાં જ્યાં સૌથી ગંભીર સ્થિતિ છે તે રાજ્યોમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તામિલનાડુ અને ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોનો સમાવેશ થાય છે.

રાજ્યમાં 27 દિવસ બાદ પહેલીવાર 10 હજારથી ઓછા કેસ નોંધાયા છે, તો વધુ 104 દર્દીઓ કોરોના સામે જંગ હાર્યા છે.જેની સામે 15 હજાર 365 દર્દીઓ કોરોના સામેનો જંગ જીત્યા અને હવે કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 6 લાખ 9 હજારને પાર પહોંચી ગઇ છે. કુલ મૃત્યુઆંક 8,944 પર પહોંચ્યો છે, જો કે રાજ્યમાં હજુય 1 લાખ 17 હજાર 373 સક્રિય કેસો છે, તો 786 દર્દીઓ વેન્ટિલેટર પર છે. પરંતુ રાહતની વાત એ છે કે સાજા થવાનો દર વધીને 82.82 ટકા થયો છે.

 

રાજ્યના મહાનગરોની સ્થિતિ પર નજર કરીએ તો, અમદાવાદમાં રેકોર્ડબ્રેક 7,279 દર્દીઓ સાજા થયા, જ્યારે 16 દર્દીના મૃત્યુ સાથે 2,824 કેસ નોંધાયા. સુરતમાં 1,768 દર્દીઓ સાજા થયા, જ્યારે 13 દર્દીના મૃત્યુ સાથે 850 કેસ નોંધાયા. વડોદરામાં 1,007 દર્દી સાજા થયા, જ્યારે 10 દર્દીના મૃત્યુ સાથે 1,068 કેસ નોંધાયા છે.

આ તરફ રાજકોટમાં 549 દર્દી સાજા થયા, જ્યારે 9 દર્દીના મૃત્યુ સાથે 691 કેસ નોંધાયા. જામનગરમાં 615 દર્દીઓ સાજા થયા, જ્યારે 9 દર્દીના મૃત્યુ સાથે 393 કેસ નોંધાયા. આ સિવાય જૂનાગઢમાં 8 દર્દીના મૃત્યુ થયા, તો ભાવનગર, બનાસકાંઠા, કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં 3-3 દર્દીના મૃત્યુ થયા છે.

Author : Gujaratenews