સુરતીઓ માટે રાહતના સમાચાર, કોરોનાના સવા વર્ષ બાદ માત્ર 10 કેસ નોંધાયા

05-Jul-2021

surat: કોરોનાની બીજી લહેર સંપૂર્ણ કાબૂમાં આવી ચૂકી છે. સુરત (Surat) શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત હવે કોરોનાના કેસો (Corona Cases) ઓછા નોંધાઈ રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં સતત બીજા દિવસે કોરોનાનો એક પણ કેસ નોંધાયા ન હતો. જ્યારે સુરતમાં કોરોનાના સવા વર્ષ બાદ માત્ર 10 કેસો નોંધાયા છે. જેમાં 39 જેટલા દર્દીઓ કોરોનાની જંગ જીતીને ઘરે પરત ફર્યા છે.

કોરોનાના કેસમાં રાહત રહેતા હવે જનજીવન સામાન્ય બની ગયું છે. કોરોનાની બીજી લહેર પણ કાબૂમાં આવી ચૂકી છે. શહેરમાં અત્યાર સુધીના 1,11,234 કેસ સામે આવ્યા છે. જેની સામે એક 1,09,509 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

કોરોનાની પ્રથમ લહેરમાં 13 એપ્રિલ 2020 માં નવ જેટલા કેસ શહેરમાં નોંધાયા હતા. ત્યારબાદ રવિવારે શહેરમાં કોરોનાના ફક્ત દસ કેસ નોંધાયા છે. જેમાં વરાછા બી ઝોનમાં બીજા દિવસે પણ એક પણ કેસ નોંધાયો નથી. જ્યારે રાંદેર ઝોનમાં ત્રણ, અઠવા ઝોનમાં બે, કતારગામ, સેન્ટ્રલ, વરાછા એ, લિંબાયત અને ઉધના ઝોનમાં એક એક કેસ નોંધાયા છે.

શહેરમાં કોરોનાની જંગ જીતીને 28 દર્દીઓ ઘરે પરત ફર્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં બીજા દિવસે પણ કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી. જ્યારે 11 દર્દીઓ ઘરે સાજા થઈને પરત ફર્યા છે.

રવિવારે રજાના દિવસે મ્યુકરમાઇકોસીસના (Mucormycosis) કેસોમાં પણ રાહત રહી છે. નવી સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસીસના માત્ર બે કેસ નોંધાયા છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં તો એક પણ કેસ નોંધાયો નથી. સ્મીમેર હોસ્પિટલમાં એક દર્દીને સારવાર આપવામાં આવી હતી. જ્યારે બંને સરકારી હોસ્પિટલમાં એક પણ સર્જરી કરવામાં આવી નથી.

Author : Gujaratenews