ભંડેરીએ મુંબઈની બ્લ્યુ સ્ટાર કું.ના મહેતા સાહેબની પવઈની ૧૨ એકર જમીન ખરીદવા વૃદ્ધ દલાલ પાસેથી પૈસા લીધા હતા
સુરત: સુરતના વરાછા લંબે હનુમાન રોડ સ્થિત ત્રિકમનગર ૧માં રહેતા વૃદ્ધ જમીનદલાલ પાસેથી વરાછાના જમીનદલાલ હસમુખ ભંડેરીએ મુંબઈની બ્લ્યુ સ્ટાર કંપનીના માલીક મહેતા સાહેબની પવઈની ૧૨ એકર જમીન ખરીદવા રૂ.૩૫ કરોડ તે રકમના બદલામાં માત્ર ૧૪ મહિનામાં રૂ.૬૧ કરોડ આપવાની લાલચ આપી લીધા બાદ પરત નહીં કરી છેતરપિંડી આચરતા પોલીસે તપાસ શરૂ કરી છે.
સુરતના વરાછા લંબે હનુમાન રોડ સ્થિત ત્રિકમનગર વિભાગ ૧ ઘર નં.બી-૬૩ માં રહેતા ૬૬ વષીય રમેશભાઈ લક્ષ્મણભાઈ સાકરીયાનો સંપર્ક ગત ઓગષ્ટ ૨૦૧૨ માં લંબે હનુમાન રોડની વિક્રમનગર સોસાયટીમાં રહેતા હસમુખભાઈ ઉર્ફે હરીશભાઈ રવજીભાઈ ભંડેરી સાથે થયો હતો.હસમુખભાઈએ પોતાની ઓળખ મોટા જમીન દલાલ તથા વેપારી તરીકે આપી મુંબઈની બ્લ્યુ સ્ટાર કંપનીના માલીક મહેતા સાહેબની મુંબઈના પવઈ સ્થિત ૧૨ એકર જમીનના ખેડુતોને સોદા પેટે આપવાના થતા રૂ.૩૫ કરોડ રમેશભાઈ પાસે લીધા હતા. તે સમયે હસમુખભાઈએ ૨મેશભાઈને નફા સાથે કુલ રૂ.૬૧ કરોડ ૧૪ થી ૧૬ મહિનામાં પરત કરવાની વાત કરી હતી. હસમુખભાઈએ તે રૂપીયાના સિક્યુરીટી પેટે રૂ.૬૧ કરોડના અલગ અલગ બેંકના ૭ ચેક પણ આપ્યા હતા. જોકે, પોતાના, પત્ની ભાનુબેનના અને પુત્ર રીતેશના એકાઉન્ટમાં રૂ.૩૫ કરોડ મેળવી તે રકમ પોતાના અંગત ઉપયોગમાં લઈ રમેશભાઈએ પૈસાની ઉઘરાણી કરતા હસમુખભાઈએ સિક્યુરીટી પેટે આપેલા ચેકોનુ સ્ટોપ પેમેન્ટ કરાવી દીધું હતું અને પૈસા ચુકવી આપવા બાબતે જુદાજુદા સ્ટેમ્પ પેપર તથા નોટોરાઇઝ તથા સાદા કાગળો ઉપર લખાણો કરી આપી બાદમાં તમારા રૂપીયા ભુલી જાઓ, ફરી વખત અમારી પાસે રૂપીયાની ઉઘરાણી કરતા નહી, નહીતર પોલીસ કેસમા ફસાવી દઈશ તેવી ધમકી આપી હતી. આથી છેવટે રમેશભાઈએ હસમુખભાઈ, તેમના પત્ની ભાનુબેન અને પુત્ર રીતેશ વિરુદ્ધ વરાછા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
20-Aug-2024