મધ્યપ્રદેશના બુરહાનપુરના નાનકડા ચાંદની રેલવે સ્ટેશનની તસ્વીર.
મધ્ય પ્રદેશના એક રેલ્વે સ્ટેશન પર આશ્ચર્યજનક ઘટના ઘટી હતી. સ્ટેશનેથી ટ્રેન પસાર થતા તેની સ્પીડથી રેલવે સ્ટેશનનું બિલ્ડિંગ ધ્રુજવા લાગ્યું હતું અને ગણતરીની મિનિટોમાં જ આખું બિલ્ડિંગ ધરાશાયી થઇ ગયું હતું. હાશકારાની વાત એ હતી કે રેલવે સ્ટેશન ખૂબ નાનું છે. આથી અકસ્માતમાં કોઇ જાનહાનિ થઇ નથી.
મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લા સ્થિત મુંબઇ-દિલ્હી લાઇન પર એક નાનકડું ચાંદની રેલવે સ્ટેશન છે. મોટાભાગે લાંબા અંતરની ટ્રેન અહીં થોભતી નથી. બુધવારે સાંજે ચાર વાગ્યે અહીંથી પુષ્પક એક્સપ્રેસ પસાર થઇ હતી. એ સમયે ટ્રેનની સ્પીડ અંદાજે ૧૧૦ કિલોમીટર હતી. ટ્રેન પસાર થતાં જ રેલવે સ્ટેશનની બિલ્ડિંગમાં ધ્રુજારી શરૂ થઇ હતી. ટ્રેનને લીલી ઝંડી દેખાડવા માટે રેલવેકર્મી પ્રદીપ કુમાર પવાર બહાર નીકળ્યા હતા, તેના લીધે તેઓ અકસ્માતનો ભોગ બન્યા નહીં.
ધ્રુજારી બાદ બિલ્ડિંગ ધડામ કરતાં પડી ગઇ હતી. અકસ્માત સમયે સ્ટેશન પર પેસેન્જર નહોતા અને રેલવે સ્ટાફ પણ ખાસ નહોતો. તેના લીધે કોઇ ઝપેટમાં આવ્યું નથી. આ બિલ્ડિંગ ધરાશાયી થતા બાંધકામ પર પ્રશ્નો ઉઠી રહ્યા છે, કારણ કે રેલવે સ્ટેશનોના બાંધકામમાં ક્વોલિટી સાથે સમજૂતી થતી નથી. કહેવાય છે કે રેલવે સ્ટેશનની બિલ્ડિંગનું બાંધકામ વર્ષ ૨૦૦૪માં થયું હતું. હજુ તેના બાંધકામને ૧૭ વર્ષ જ થયા છે અને ધડામ કરતાં પડી ગયું. બિલ્ડિંગમાં પિલ્લરનો ઉપયોગ થયો નહોતો, આથી ધ્રુજારીને ખમી શકયું નહીં. જો કે, અકસ્માતને લઇ રેલવે તરફથી હજુ કોઇ પ્રતિક્રિયા આવી નથી. ઘટના બાદ રેલવેના અધિકારીઓ સ્થળ પર ચોક્કસ પહોંચી ગયા હતા.
Related Articles
ઓમિક્રોન વાઈરસની સંક્રમણ ક્ષમતા ...
03-Jun-2025
કેરલા પાસે જહાજમાંથી ઓઈલ લીક...
03-Jun-2025
12-Jun-2025