સુરતના પુણામાં ભાજપના સાંસદને કાર્યકરે તતડાવીને કહ્યું કોરોનાની બીજી લહેર પુરી થઈ ગઈ છે, અત્યારે આવ્યા છો, શરમ આવવી જોઇએ

12-May-2021

પુણામાં આઇસોલેશન સેન્ટરની મુલાકાતે આવેલા બારડોલીના સાંસદ પ્રભુ વસાવાને તતડાવતા ભાજપના પક્ષ કાર્યકર મહેશ હીરપરા.

સુરત : સુરતના પુણા વિસ્તારમાં એક આઇસોલેશન સેન્ટરની મુલાકાતે આવેલા સાંસદ પોતાના પક્ષના જ કાર્યકરના આક્રોશનો ભોગ બન્યા હતા. પુણા વિસ્તારમાં પટેલ સમાજની વાડીમાં ઉભા કરવામાં આવેલા આઇસોલેશન સેન્ટરની મુલાકાતે બારડોલીના સાંસદ પ્રભુ વસાવા પહોંચ્યા હતા ત્યારે તેમને ખુદ ભાજપના જ કાર્યકરો અને સમર્થકોએ અપમાનિત કરી જાહેરમાં ખખડાવ્યા હતા અને કહ્યું હતું કે બીજી લહેર પુરી થઈ ગઈ અત્યારે આવ્યો છો, તમને શરમ આવવી જોઇએ.

પુણા આઇસોલેશન સેન્ટરની મુલાકાત લેવા ગયેલા સાંસદ પ્રભુ વસાવાને મહેશ હિરપરા નામના ભાજપ કાર્યકરે બધાની વચ્ચે જ તતડાવી નાખ્યા હતા. તેમણે કહ્યું કે, બીજી લહેર પૂરી થઇ ગયા બાદ છેક હવે આવ્યા છો, અત્યાર સુધી તમે ક્યાં હતા, તમને શરમ આવવી જોઈએ. અમારે હજુ બધાને ગદરાવાના બાકી છે. ઇલેક્શનમાં તમારી માટે કામ કરતા લોકોની પણ તમે ચિંતા કરી નથી. પાલિકાની ચૂંટણીમાં જીવના જોખમે તમારા માટે અમે મતની ભીખ માંગવા નીકળ્યા હતા. મહેશ હિરપરા ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા છે. સાંસદ પ્રભુ વસાવાના ચહેરા ઉપર પોતાનો થઈ રહેલા અપમાનનો ભાવ સ્પષ્ટ જોવા મળતો હતો. પ્રભુ વસાવાએ મહેશ હીરપરાને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમણે સાંસદને તેમની કોરોના સંક્રમણ દરમિયાન નબળી કામગીરીને ઝાટકી નાખી હતી. પ્રભુ વસાવા બોલતા રહ્યા કે તમે તમારા સ્વજનો ગુમાવ્યા છે. તેની હું લાગણી સમજી શકું છું પરંતુ મહેશ હીરપરાએ ગણકાર્યા જ ન હતા અને પોતાનો રોષ ઠાલવે જ ગયા હતા..

ચૂંટણી સમયે લોકોની પાસે વોટ માંગવા લોકોની વચ્ચે જતા કેટલાક નેતાઓ કોરોનાના સમયમાં ગાયબ થઈ ગયા હોય તેવી પણ ફરિયાદો સામે આવી હતી. લોકો જ્યારે કોરોનાથી મરી રહ્યા હોય ત્યારે તેમની મદદે સાંસદ, ધારાસભ્ય, કોર્પોરેટર આગળ ન આવ્યા હોવાની પણ બૂમ ઉઠવા પામી છે. રાજ્યભરમાં કોરોના મહામારીએ લોકોને પોતાના ભરડામાં લીધા છે. ત્યારે કોરોનાની આ બીજી લહેરમાં અસંખ્ય લોકોને પોતાનો જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે. દર્દીઓની સંખ્યા સામે ઉપલબ્ધ મેડિકલ સહાય ટાંચી પડી છે. જેના કારણે લોકોમાં કંઈક અંશે રોષ પણ જોવા મળી રહ્યો છે. સરકાર સમક્ષ હોસ્પિટલોમાં ઓછા બેડ, પૂરતી દવાઓનો જથ્થો, મેડિકલ સ્ટાફ, ઓક્સિજનની સમસ્યા સહિત રજૂઆતો પણ કરવામાં આવી છે. છતાં લોકોની ફરિયાદો પર પૂરું ધ્યાન આપવામાં આવ્યું નથી.

સાંસદ પ્રભુ વસાવાનું મોઢુ જ પડી ગયું

સાંસદ પ્રભુ વસાવા પોતાના મત વિસ્તાર પુણગામમાં બુધવારે આઇસોલેશન સેન્ટરમાં દર્દીઓના વ્યવસ્થા અંગે જાણકારી લેવા ગયા હતા. ત્યારે પુણા ખાતે તેમનો ભાજપના કાર્યકર દ્વારા જ વિરોધ કરાયો હતો. કોરોના સંક્રમણકાળના એક વર્ષનો સમય વીતી ગયા બાદ બીજી લહેરના અંતે સાંસદ વસાવાને મતવિસ્તારમાં જોતા સ્થાનિકોએ રોકડુ પરખાવી દીધું હતું. તેમણે સાંસદ પ્રભુ વસાવાના ચહેરા ઉપર પોતાનો થઈ રહેલા અપમાનનો ભાવ સ્પષ્ટ જોવા મળતો હતો. આઇસોલેશન સેન્ટરમાંથી સાંસદ પ્રભુ વસાવા લોકોનું સાંભળીને મોઢે પરત ફર્યા હતા.

ભાજપ સંગઠન મંત્રી મહેશ હિરપરાના જણાવ્યા પ્રમાણે તેમને પોતાના સંબંધીને કોરોનાની સારવાર માટે રેમડેસીવર ઇન્જેક્શનની જરૂર હતી. જે માટે તેમણે પોતાના વિસ્તારના સ્થાનિક નગરસેવક, ધારાસભ્યથી લઈને સાંસદને પણ ફોન કર્યા હતા. પણ તેમને ફોન ઊંચકવાની તસ્દી લીધી ન હતી. હવે જ્યારે કોરોનાની લહેર ઓછી થઈ છે ત્યારે સાંસદ ઘરની બહાર નીકળ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. આવી તો લોકોની અસંખ્ય ફરિયાદો છે જેનો ઉભરો આજે સાંસદ પરભુ વસાવા સામે નીકળ્યો હતો. ભાજપના જ કાર્યકરો અને સમર્થકોએ જાહેરમાં સાંસદ સમક્ષ પોતાનો બળાપો ઠાલવ્યો હતો. જેના કારણે સાંસદે નીચું મોઢું કરીને સ્થળ છોડી દેવાની ફરજ પડી હતી.

Author : Gujaratenews