બિહારઃ મદરેસામાં રહસ્યમય વિસ્ફોટ, મૌલાનાનુ મોત, NIAને તપાસ સોંપાઈ

11-Jun-2021

બિહારના બાંકા જિલ્લાની એક મદ્રેસામાં થયેલા બ્લાસ્ટના મામલાની તપાસ હવે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઈએ કરશે.

એજન્સીએ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદને ટેક ઓવર કરી લીધી છે અને આ મામલામાં કોઈ સ્લીપર સેલનો હાથ છે કે કેમ તેની તપાસ શરૂ કરી છે. આ બ્લાસ્ટ દરમિયાન મદ્રેસામાં 33 વર્ષના એક મૌલાના અબ્દુલ મોબિનનુ મોત થયુ હતુ. તે ઝારંખંડનો રહેવાસી હતી. એજન્સીએ હવે પોતાની તપાસ ઝારખંડ સુધી લંબાવી છે. સૂત્રોના કહેવા પ્રમાણે અહીંયા ફોરેન્સિક તપાસ કરનાર ટીમને વિસ્ફોટકોના અંશ પણ મળ્યા છે. જેના કારણે હવે તપાસની જવાબદારી એનઆઈએને સોંપી દેવાઈ છે.

 

મંગળવારે સવારે બાંકા જિલ્લાની મદરેસામાં વિસ્ફોટ થયો હતો. જેના પગલે બિહાર એટીએસની ટીમ પણ બાંકા પહોંચી હતી. પોલીસનુ કહેવુ છે કે, આ વિસ્ફોટ જિલેટીનના કારણે થયો હોવાનુ પ્રાથમિક તબક્કે લાગી રહ્યુ છે. વિસ્ફોટ થયો ત્યારે મદરેસામાં 10 લોકો હાજર હતા. મદરેસાના જે રૂમમાં ધડાકો થયો તે છેલ્લા કેટલાક દિવસોથી બંધ હતો. ધડાકાનો અવાજ દૂર સુધી સંભળાયો હતો.

 

વિસ્ફોટ ગ્રાઉન્ડ ફલોર પર થયો હતો અને જે રૂમમાં આ ધડાકો થયો હતો તે રૂમની દિવાલો ધરાશયી થઈ ગઈ હતી. આસપાસના ઘરોમાં બારીઓના કાચ પણ તુટી ગયા હતા અને મદરેસાની દિવાલોમાં તિરાડો પડી ગઈ હતી. ભાજપના સ્થાનિક ધારાસભ્ય હરિભૂષણ ઠાકોરે આક્ષેપ કર્યો છે કે, મદરેસામાં આતંકવાદી ગતિવિધિઓ ચાલી રહી હોવાનુ વિસ્ફોટથી પૂરવાર થયુ છે.

Author : Gujaratenews