ગુજરાતમાં ૧૦૦ કિલોમીટરની ઝડપે વાવાઝોડું ફૂંકાશે, ભાવનગરના દરિયા કિનારે હાઇઅલર્ટ, કેરળ અને તમિલનાડુંમા ભારે વરસાદ

15-May-2021

ગુજરાતમાં સંભવિત વાવાઝોડાના દહેશતને પગલ અગમચેતીના પગલા લેવાઇ રહ્યાં છે. ત્યારે ભાવનગરના દરિયાકાંઠે એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે જિલ્લાના ઘોઘા બંદરે એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. અને, માછીમારોને દરિયા ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. હાલ અરબી સમુદ્ર્માં હવાનું દબાણ સર્જાયું છે. ત્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય કરતા વધારે પવન ફુંકાઇ રહ્યો છે. અને, આ વાવાઝોડું 17-18ની આસપાસ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના વ્યક્ત કરાઇ રહી છે. જેને લઇને સરકાર પણ એલર્ટ થઇ છે.

 

ભારતીય હવામાન વિભાગે વર્ષના પ્રથમ ચક્રવાત અંગે ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં મોસમી હલચલ વધી છે. દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર પર ભારે દબાણ સર્જાયું છે, જેના કારણે ચક્રવાતી વાવાઝોડાંનો જન્મ થઈ રહ્યો છે. હવામાન વિભાગને આશંકા છે કે રવિવાર સુધીમાં વર્ષનું પહેલું ચક્રવાત તોફાન પશ્ચિમ દરિયા કાંઠા પર ત્રાટકશે અને તેની અસર ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં થશે. આ તોફાનનું નામ તૌક્ટે છે, તેનું નામ પડોશી દેશ મ્યાનમાર દ્વારા રાખવામાં આવ્યું છે, જેનો અર્થ છે – મોટો અવાજ કરનાર ગરોળી.

ચક્રવાત તોફાનને કારણે દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને જોરદાર પવનની સંભાવના છે. તે લક્ષદ્વીપ, કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતને અસર કરી શકે છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી આપી છે. હવામાન વિભાગનું કહેવું છે કે 14 થી 16 મે દરમિયાન કેરળ, કર્ણાટક, તામિલનાડુ અને મહારાષ્ટ્ર સહિતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. અહેવાલ મુજબ, આ વાવાઝોડા 20 મેના રોજ કચ્છ પ્રદેશમાંથી પસાર થઈને દક્ષિણ પાકિસ્તાન જશે તેવી સંભાવના છે. જો આવું થાય, તો તે 17 કે 18 મે સુધીમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડું પહોંચવાની સંભાવના દર્શાવવામાં આવી છે.

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, ચક્રવાતી તોફાન, લક્ષદ્વીપ, માલદીવ્સમાં 40થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. વિભાગ દ્વારા એક ચેતવણી જાહેર કરવામાં આવી છે કે કેરળ, ગોવા, કર્ણાટક અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોને વાવાઝોડાંનો સામનો કરવો પડી શકે છે.

હાલ તો વાવાઝોડાની દહેશતને પગલે દરિયાકાંઠે એલર્ટ અપાયું છે. અને, દરિયાકાંઠા વિસ્તારના લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે.

Author : Gujaratenews