ગુજરાતના અનેક જિલ્લામાં ૪થી ૬ જૂન દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પવન સાથે જોરદાર વરસાદ

04-Jun-2021

ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. હવામાન વિભાગે ૩ અને ૪ જૂને ગુજરાતમાં ચોમાસાની આગાહી કરી હતી. તે મુજબ, સાબરકાંઠા, બનાસકાંઠામાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. સાબરકાંઠાના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. હિંમતનગર, ઇડર, ખેડબ્રહ્મા અને વડાલી પંથકમાં પવન સાથે વરસાદ પડ્યો છે. તો પંચમહાલમાં પણ વરસાદ નોંધાયો. સાબરકાંઠામાં વહેલી સવારે જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો. જિલ્લામાં વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. હિંમત નગર, ઇડર, ખેડબ્રહ્મા અને વડાલી પંથકમાં પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. પવન અને ગાજવીજ સાથે જિલ્લામાં વરસાદ પડતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો. આખરે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. વડાલી અને પોશીનામ એક-એક ઇંચ વરસાદ નોંધાયો. તો ખેડબ્રહ્મા અને પ્રાંતિજમાં અડધો-અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે ભારે પવન સાથે અચાનક વાવાઝોડું આવ્યું હતું. બનાસકાંઠાના દિયોદર પંથકમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. મોડી રાત્રે ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં કાચા મકાનો અને છાપરાઓના પતરા ઉડ્યા હતા. ભાદર ગામે પશુઓને બાંધવાનું ઢાળીયું પડતાં એક ગાયનું મોત થયું છે. તો ભારે પવનના કારણે બાજરી સહિત અનેક પાકો ઢળી ગયા છે. મોડી રાત્રે અચાનક હવામાનમાં પલટો આવતા ભારે પવનથી અનેક મકાનોના પતરા ઉડ્યા છે. દિયોદરના મોજરું ગામે ભારે પવનથી રહેણાંક મકાનોને નુકસાન થયું છે. દિયોદર સહિત અનેક પંથકમાં ખેતીના પાકોને નુકશાન પહોંચ્યું છે. પંચમહાલમાં પણ ભારે પવન સાથે આવેલા વરસાદથી વૃક્ષ અને વિજપોલ ધરાશયી થવાની ઘટના બની છે. વીજપોલ ધરાશયી થતાં શહેરના લાભી પંથકમાં વીજ પુરવઠો ખોરવાયો છે. વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદ ખાબકયો છે. પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વીજળીના કડાકા અને ગાજવીજ સાથે કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો. શહેરા, મોરવા હડફ અને ગોધરાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. બે દિવસના ભારે ઉકળાટવાળા વાતાવરણ બાદ એકાએક આજે વહેલી સવારે પવન સાથે વરસાદના આગમનની છડી પોકારતુ વાતાવરણ સર્જાયું છે. જિલ્લાના ગોધરા, શહેરા, મોરવા હડફ પંથકમાં વરસાદનું આગમન થયું છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પણ હવામાન પલટવા જઈ રહ્યું છે. ગુજરાતમાં જલ્દી જ વરસાદનું આગમન થશે. ગુજરાતના અનેક જિલ્લામાં ૪થી ૬ જૂન દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Author : Gujaratenews