અંધશ્રધ્ધાની પરાકાષ્ઠા: રાપરના ગેડી નજીક ભક્તિવાંઢનો બનાવ સત્યનાં પારખાં કરવા કચ્છમાં છ લોકોના હાથ ઉકળતા તેલમાં બોળ્યા
12-Aug-2021
૨૧મી સદીમાં પણ અંધશ્રધ્ધાના બનાવો આજે પણ બને છે. જેનો વરવો નમુનો ગત રોજ રાપર તાલુકાના ગેડી ગામની ભકતાવાંઢમાં બનવા પામ્યો હતો. આ ગામની એક પરિણીતા બે માસ અગાઉ પિયરથી નાસી છુટી હતી અને હજુ સુધી પરત ફરી નથી ત્યારે આ પરિણીતાને ભગાડવામાં તેના જ પિયરીયાઓનો હાથ હોવાની શંકા રાખી સચ્ચાઈના પારખા કરવા જમાઈએ સસરા સહિત ૬ વ્યકિતઓના હાથ માતાજીના મંદિરે ઉકળતા તેલમાં હાથ નખાવ્યા હતા. જેનાથી ચકચાર મચી ગઇ છે.
આ ઘટનાની વિગત એવી છે કે, કચ્છના રાપરમા ભકિતવાંઢની યુવતીના લગ્ન ગેડી ગામના રત્ના કાના કોળી સાથે સામાજીક રિતરિવાજ મુજબ થયા હતા. પરંતુ બે મહિના પહેલા જમાઈ સાથે મહિલાપિયર આવ્યા બાદ ગુમ થઈ હતી. ત્યારબાદ સાસરીયા અને પિયર પક્ષવાળા શોધખોળ કરી રહ્યા હતા. અને બંને પક્ષો વચ્ચે વિવાદ ચાલતો હતો. પરંતુ પરિણીતાનો કોઈ પતો લાગતો ન હતો. દરમિયાન ગઈકાલે જમાઈ સહિત સસરા પક્ષના ૯ લોકો દ્વારા પિયરપક્ષના સસરા હીરા ધરમશી કોળી સહિત ૬ વ્યકિતઓને સમાધાન કરવા ગેડી બોલાવ્યા હતા.ત્યાંથી માતાજીના મંદિરે લઈ જવાયા હતા. બંને પક્ષના લોકો દ્વારા મંદિરે પહોંચ્યા હતા જયાં જમાઈ દ્વારા સસરા પક્ષના લોકો પર વહેમ રાખીને મારી પત્નીને તમે ભગાડી મુકી છે અથવા વેંચી દીધી છે એવા આક્ષેપો કર્યા હતા અને આ ખોટુ હોય તો પહેલાથી તવામાં રાખેલા ગરમ તેલમાં હાથ નખાવવા ધોકા, લાકડી સહિતના હથિયારો સાથે બળજબરી કરી હતી. આ ઘટનાએ વાગડ સહિત કચ્છઆખામાં ચકચાર મચાવી છે. બળજબરીપૂર્વક તેલના તવામાં હાથ નખાતા ૬ લોકોના હાથ બળી ગયા હતા. જેના પગલે તેઓને તાત્કાલીક સારવારઅર્થે રાપરની સરકારી હોસ્પીટલમાં લઈ જવાયા હતા.
આ બનાવને ટાંકીને રાપર પોલીસે જાણવા જોગ દાખલ કરીને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે તેમ પી.આઈ.ઝીંઝુવાડીયાએ જણાવ્યુ હતુ. હાલમાં તો અંધશ્રધ્ધાના આ બનાવે વાગડ સહિત કચ્છઆખામાં ચકચાર મચાવી છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024