દિલ્હીથી શાહ બ્લૂપ્રિન્ટ લઈને ગુજરાત આવ્યા,વિધાનસભા ચૂંટણી માટે અમિત શાહે એક્શન પ્લાન તૈયાર કર્યો

23-Jun-2021

અમદાવાદમાં સરકાર યોજનાઓની સમીક્ષા કરતા ગૃહમંત્રી અમિત શાહ.ઉદઘાટન કરી રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની તસવીર.

ગાંધીનગર : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસથી અમદાવાદમાં છે અને આ દરમિયાન તેમનું સંપૂર્ણ ધ્યાન રાજ્ય સરકારની ગતિવિધિ પર રહ્યું છે. મંગળવારે તેમણે અમદાવાદના સર્કિટ હાઉસમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં સિનિયર અધિકારીઓની સાથે બેઠક કરી સરકારની તમામ બાબતોની સમીક્ષા કરી હતી.

આગામી વિધાનસભાની ચૂંટણી માટે શાહે એક રસ્તો તૈયાર કર્યો છે અને હવે રાજ્ય સરકાર તથા પ્રદેશ સંગઠન તે મુજબ ચાલશે.સૂત્રોએ જણાવ્યું કે, અમિત શાહે અમદાવાદ અને ગાંધીનગરમાં ચાલતાં વિકાસ કાર્યો અંગે જાણકારી મેળવી તેને તેજ બનાવવા માટે તાકીદ કરી હતી. આ બેઠકમાં તેમણે મુખ્યમંત્રી અને ભાજપ અધ્યક્ષ બંનેને હાજર રાખ્યા હતા. આ રીતે તેમણે સંકેત આપ્યો કે સરકાર- સંગઠને સાથે મળીને ગુજરાત માટે કામ કરવાનું છે. કોરોનાની પીડા ભૂલીને લોકોનું ધ્યાન વિકાસ તરફ કેન્દ્રિત થાય તે આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ હતો.

શાહે અધિકારીઓને તેમના વિભાગની યોજનાઓનો વ્યાપ વધારી મહત્તમ લોકોને આવરી લેવા જણાવ્યું છે. ઉપરાંત લાંબા સમયથી ચાલતા પ્રોજેક્ટ્સને ઝડપથી કાર્યાન્વિત કરીને તે અમલી બનાવવા શાહે અધિકારીઓને તાકીદ કરી છે.

દિલ્હીથી જ શાહ બ્લૂપ્રિન્ટ લઈને આવ્યા

આ પ્રકારનું આયોજન તાબડતોબ કરવામાં આવ્યું હોય તે શક્ય નથી. આ તમામ બેઠકો અને સમીક્ષાના પ્લાનની બ્લૂ પ્રિન્ટ અમિત શાહ દિલ્હીથી જ લઈને આવ્યા હતા. ફરક માત્ર એટલો જ હતો કે આ પ્રકારની જાહેરાત અગાઉથી કરાઈ હતી.

 

અધિકારીઓ પર પકડ મજબૂત કરાશે

રાજ્ય સરકારની પોતાના સનદી અધિકારીઓ પર પકડ નથી તેવું ચિત્ર ભૂંસવા માટે જ અમિત શાહે તમામ મોટા અધિકારીઓને હાજર રાખ્યા હતા. હમણા જ રાજ્ય સરકારમાં મોટા પાયે અધિકારીઓની બદલીઓ થઈ છે ત્યારે તમામ અધિકારીઓને શાહે ટાર્ગેટેડ ટાસ્ક આપ્યાં હતાં.

પાટીલ પોતાની ‘ફોજ’ સાથે હાજર રહ્યા

સોમવારે અમિત શાહે આખો દિવસ નીતિન પટેલને સાથે રાખ્યા હતા, પણ મંગળવારે પટેલનો જન્મદિવસ હોવાથી તેઓ અન્ય કાર્યક્રમોમાં હાજરી આપવા ગયા હતા. શાહે આ બેઠકમાં પાટીલને હાજર રહેવા જણાવ્યું હતું, જેમાં પાટીલ સંગઠનની પોતાની ફોજ સાથે આવ્યા હતા.

મેટ્રો પ્રોજેક્ટ જલદી પૂરો કરવા તાકીદ અમિત શાહે ઓક્ટોબર સુધીમાં એસજી હાઈવેના નવીનીકરણનો પ્રોજેક્ટ, મે સુધીમાં મેટ્રો પ્રોજેક્ટ પૂરો કરવા જણાવ્યું હતું. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સાબરમતી આશ્રમના વિકાસના કામની પણ સમીક્ષા કરી હતી.

Author : Gujaratenews