હિમાચલ પ્રદેશના સાંગલા-ચિતકુલ રોડ પર બાત્સેરી નજીક લેન્ડ સ્લાઈડિન્ગથી પૂલ તૂટ્યો, 10 પ્રવાસીઓના મોત

25-Jul-2021

હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ભૂસ્ખલનને કારણે મોટો અકસ્માત સર્જાયો છે. જેમાં કુલ નવ પ્રવાસીઓના મોત નિપજ્યા છે. પર્વત પરથી મોટા પથ્થરો પડવાને કારણે ખીણ પરનો પુલ તૂટી ગયો હતો અને આ દુર્ઘટનામાં 9 પ્રવાસીઓનાં મોત નીપજ્યાં અને ત્રણ પ્રવાસી ઘાયલ થયા છે.

આ તમામ 9 પ્રવાસીઓ દિલ્હી-એનસીઆરના(Delhi-NCR) હતા અને કિન્નૌરમાં ફરવા આવ્યા હતા. મળેલી માહિતી મુજબ, આ અકસ્માત કિન્નૌરના સંગલ ખીણમાં બાત્સેરીના ગુન્સા નજીક થયો હતો.

પર્વતો પરથી જ્યારે ખડકો પડી રહ્યા હતા, ત્યારે પ્રવાસીઓથી ભરેલું વાહન છિતકુલથી સાંગલી તરફ આવી રહ્યું હતું અને તે દરમિયાન જ તેમના વાહનો ઉપર પણ મોટા પથ્થરો પડવા લાગ્યા.

પ્રવાસીઓ કંઇક સમજી શકે ત્યાં સુધીમાં, તેમના વાહનો પથ્થરોથી સંપૂર્ણ દબાઈ ગયા હતા. નજીકમાં પાર્ક કરેલા વાહનોને પણ ખાસ્સું નુકસાન થયું હતું. આ દુર્ઘટનાનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ પણ થઈ રહ્યો છે.

બચાવ કામગીરી માટે હેલિકોપ્ટરની મદદ

અકસ્માત અંગેની માહિતી મળ્યા બાદ પોલીસ-પ્રશાસન ઘટના સ્થળે પહોંચી ગયું છે. કોંગ્રેસના ધારાસભ્ય જગતસિંહ નેગીએ આ અકસ્માત બાદ જણાવ્યું હતું કે, પહાડ પરથી પથ્થરો પડવાની ઘટના હજી પણ ચાલુ છે અને એટલા માટે બચાવ કામગીરીમાં મુશ્કેલી સર્જાય છે.

તેમણે કહ્યું કે આ દુર્ઘટના વિશેની માહિતી સરકારને આપવામાં આવી છે અને બચાવ કામગીરી ઝડપી બનાવવા હેલિકોપ્ટરની માંગ પણ કરવામાં આવી છે. ખાતરી મળી છે કે હેલિકોપ્ટર ટૂંક સમયમાં મોકલાઈ રહ્યું છે.

જાણવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના રવિવારે બપોરે 1.30 કલાકે બની હતી. સાંગલા-ચિતકુલ રોડ પર બાત્સેરી નજીક ખડકો પડ્યા હતા. સાંગલા તરફ જતો ટેમ્પો ટ્રાવેલર (એચઆર 55 એસી 9003) પણ તેની ઝપેટમાં આવી ગયો હતો. તેમાં કુલ 11 લોકો સવાર હતા. તેમાંથી 9 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

મળેલી માહીતી મુજબ આ દુર્ઘટનામાં મૃત્યું પામેલા પ્રવાસીઓની ઓળખ હજુ થઈ શકી નથી.તે બધા જુદા જુદા સ્થળોના છે.એકબીજાના પરિવાર અથવા સંબંધી નથી. 8 મુસાફરોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે એકનું હોસ્પિટલે લઈ જતા રસ્તામાં મોત નીપજ્યું હતું.આ દુર્ઘટનામાં એક સ્થાનિક નાગરિક પણ ઘાયલ થયેલ છે

Author : Gujaratenews