ગુજરાતમાં કોરોનામાં માં-બાપ ગુમાવનાર બાળકોને મહિને 4000 ચૂકવાશે, 2000થી વધુ નર્સની તાત્કાલિક સીધી ભરતી કરાશે

14-May-2021

મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં બે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. જેમાં ગુજરાતમાં 2000થી વધુ નર્સની તાત્કાલિક સીધી ભરતી કરાવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત કોરોનાની લહેરમાં માતા પિતા ગુમાવીને અનાથ- નિરાધાર બનેલા બાળક પુખ્ત ના થાય ત્યા સુધી દર મહિને 4000 ચૂકવવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાતમાં સુનામીની માફક ચોમેર ફરી વળેલ કોરોનાની લહેરના પગલે આરોગ્ય સેવા પડી ભાંગ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. આવી પરીસ્થિતિમાં, આરોગ્ય ક્ષેત્રે માનવબળની અછત પણ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યુ છે. જેના કારણે, ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે કે, ગુજરાતમાં ખાલી પડેલી 2,000થી વધુ નર્સની તાત્કાલિક સીધી ભરતી કરવામાં આવશે.

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં આરોગ્ય ક્ષેત્રે માનવબળની અછત પૂરી કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય અનુસાર, ગુજરાતમાં અંદાજે 2019 જેટલી નર્સની જગ્યાઓ ખાલી પડેલી છે. નર્સની ખાલી પડેલી જગ્યા ઉપર તાત્કાલિક ધોરણે, સીધી ભરતીથી નિમણૂંક કરવાનો પણ નિર્ણય કર્યો છે. જેથી કોરોના જેવી મહામારીમાં ભરતી પ્રક્રીયાને લઈને સમયનો વ્યય થયા વિના જ આરોગ્ય ક્ષેત્રે ઊભૂ થયેલી માનવબળની જરૂરીયાત પૂર્ણ કરી શકાય.

 

કોર કમિટીમાં એવી પણ ચર્ચા કરવામા આવી હતી કે, આરોગ્ય ક્ષેત્રે પાયાની મહત્વની જરૂરીયાત સમાન કામગીરી કરતી નર્સની ખાલી જગ્યાઓ તાત્કિલીક ધોરણે ભરપાઈ કરાતા, દર્દીઓની સેવામાં વધુ ઝડપ આવશે.

 

આ ઉપરાંત, ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામા યોજાયેલી કોર કમિટીએ, કરેલા અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણયમાં કોરોનાની મહામારીમાં અનાથ નિરાધાર બનેલા બાળકોના પાલનપોષણ માટે ગુજરાત સરકારે બાળકદિઠ દર મહિને રૂપિયા 4000ની સહાય ચૂકવશે.

 

ગુજરાતમાં કોરોનાની ફરી વળેલી બીજી લહેરમાં અનેક બાળકોએ, તેમના માતા પિતાની છત્રછાયા ગુમાવી હોવાની વિગતો સામે આવી છે. આવી સ્થિતિમાં અનાથ- નિરાધાર બનેલ 18 વર્ષથી નાની ઉંમરના બાળકો પુખ્તવયના એટલે કે 18 વર્ષના ના થાય ત્યા સુધી ગુજરાત સરકાર આવા અનાથ-નિરાધાર બાળકોના ઉછેર માટે દર મહિને રૂપિયા 4000 પાલન કરનારને ચૂકવશે.

Author : Gujaratenews