ફોનમાં જોરદાર બ્લાસ્ટ: ચાલુ ચાર્જિંગે ફોનમાં ગેમ રમતા મૂક બધિર 14 વર્ષના કિશોરની આંગળીઓના ટેરવા છુંદાઈ ગયા
30-Nov-2021
અરવલ્લી: મોબાઈલ ફોન બ્લાસ્ટ થવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે અરવલ્લીને અડીને આવેલા બાલાસિનોરના ધનેલા ગામે મોબાઈલ ચાર્જિંગમાં મૂકી ગેમ રમી રહેલા ગરીબ ખેડૂત પરિવારના કિશોરની આંગળીઓના ટેરવા મોબાઈલ અચાનક બ્લાસ્ટ થતાં છુંદાઈ ગયા હતાં. બાયડની હોસ્પિટલમાં તાબડતોબ કિશોરનું ઓપરેશન કરવું પડ્યું હતુ. જો કે, કિશોરનાં ડાબા હાથની આંગળીઓનાં ટેરવાંને કાયમી નુકસાન થયું હોવાનું તેની સારવાર કરનાર તબીબે જણાવ્યું હતું.
ચકચારી ઘટના અંગે કિશોરના ખેડૂત પિતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, તેમનો ૧૪ વર્ષીય પુત્ર ધો. ૭માં ગોધરાની બહેરા-મુંગાની શાળામાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે. દિવાળીની રજાઓમાં તે ઘરે આવેલો હતો. તેની પાસે સ્માર્ટ ફોન છે. બે દિવસ અગાઉ હું મારી પત્ની સાથે ખેતરમાં હતો. અને મારો પુત્ર ઘરે હતો. ત્યારે સાંજના સમયે પાડોશી બોલાવવા આવ્યા કે, તમારા ઘરે ધડાકો થયો છે અને તમારા પુત્રના હાથમાંથી લોહી વહી રહ્યું છે. મારો પુત્ર બોલી-સાંભળી શકતો નથી. ઘરે જઈને જોયું તો તેણે ઈશારાથી જે વાત કરી તે પ્રમાણે તે મોબાઈલ ફોન ચાર્જિંગમાં મુકીને ગેમ રમી રહ્યો હતો ત્યારે અચાનક ફોનમાં બ્લાસ્ટ થયો હતો. જેથી તેના ડાબા હાથની આંગળીઓના ટેરવા છુંદાઈ ગયા હતા અને હાથમાંથી લોહી નીકળી રહ્યું હતું. તેને તાબડતોબ બાયડની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. કિશોરના હાથનું ઓપરેશન કરનારા તબીબ ડૉ. દિપેન પંચાલે જણાવ્યું કે, બ્લાસ્ટના કારણે કિશોરને ડાબા હાથમાં ઈજાઓ થઈ હોય તેવું સ્પષ્ટ જણાય છે. બ્લાસ્ટ થવાથી જ આ પ્રકારની ઈન્જરી થતી હોય છે. પડવાથી વાગવાથી કે ફ્રેક્ચર થવાથી આવી ઈજાઓ શક્ય નથી. બળવાના કારણે હથેળીની ચામડીને પણ નુકસાન થયુ છે. ઓપરેશન કરી કિશોરને ડિસ્ચાર્જ કરી દેવાયો છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024