સન ફ્લાવર તેલમાં રૂ.1000નો વધારો, શા માટે થઈ રહ્યો છે વધારો જાણો કારણ, ભારત સરકારે શું પગલા લીધા?
30-Mar-2022
રશિયા સાથે યુક્રેનના 35 દિવસથી ચાલતા યુદ્ધને પગલે સનફ્લાવર તેલમાં ભાવ વધી ગયા છે. સ્થાનિક બજારમાં સનફ્લાવર તેલના ભાવ ડી માર્ટ તથા બિગ બાસ્કેટના લોકલ માર્કેટ મુજબ 2800થી 3200 રૂપિયા પ્રતિ 15 લિટર થઈ ગયા છે. જે પાછલા મહિના કરતા 1000 રૂપિયા વધી ગયા છે. આ સિવાય અન્ય તેલો જેવા કે સિંગતેલ, કપાસિયા તેલ વગેરેના ભાવો પણ ઉચકાયા છે. ત્યારે એપ્રિલમાં ડિલિવરી માટે ભારતે રશિયા સાથે વિક્રમી ભાવે ૪૫૦૦૦ ટન સનફલાવરના કરાર કર્યા છે. યુદ્ધને કારણે યુક્રેન ખાતેથી ખાદ્ય તેલનો પૂરવઠો અટકી પડતા સ્થાનિક બજારમાં ભાવ હાલમાં ઊંચે ગયા છે. દક્ષિણ અમેરિકામાં સોયાબીનનો પાક નીચો રહ્યો છે અને ઈન્ડોનેશિયાએ પામ ઓઈલના પૂરવઠાને મર્યાદિત કરી નાખ્યો છે,જેને કારણે દેશમાં ખાદ્ય તેલની ઉપલબ્ધતા ઘટી ગઈ છે.
તેવી સ્થિતિમાં રશિયાનું સનફલાવર તેલ ભારત માટે ટેકારૂપ બની રહેશે. વિશ્વમાં ભારત ખાદ્ય તેલનો મોટો આયાતકાર દેશ છે.
રિફાઈનર્સે સનફલાવર ઓઈલ માટે પ્રતિ ટન ૨૧૫૦ ડોલરના ભાવે કરાર કર્યા છે. રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું તે પહેલા આ ભાવ ૧૬૩૦ ડોલર હતો.
યુક્રેન ખાતે જહાજોમાં માલ ભરવાનું શકય નહીં હોવાથી ખરીદદારો રશિયા ખાતેથી માલ મંગાવી રહ્યા છે, એમ એક આયાતકારે જણાવ્યું હતું. સનફલાવર તેલનો પૂરવઠોખોરવાઈ જવાથી ઊભી થયેલી સ્થિતિને ધ્યાનમાં રાખી ભારત સરકારે દક્ષિણ અમેરિકા તથા સાઉથ ઈસ્ટ એશિયાના દેશોનો પણ સંપર્ક સાધવાનું શરૂ કર્યું છે.
ભારત તેના સનફલાવર ઓઈલની આયાતમાંથી ૭૦ ટકા આયાત યુક્રેન તથા રશિયા વિસ્તારમાંથી કરે છે. સનફલાવર તેલની અછતની સ્થિતિમાં પામ ઓઈલ તથા સોયાબીન ઓઈલની માગ વધતા તેના ભાવ પણ ઊંચકાયા છે.
ફેબ્રુઆરીમાં દેશની ખાદ્ય તેલની આયાતમાં ૨૩ ટકા વધારો થયો હતો. રિફાઈન્ડ પામ ઓઈલની આયાતમાં વધારાને પરિણામે આ વધારો જોવા મળ્યો છે.
20-Aug-2024