દિવાળી-લગ્નસરાની મોસમમાં સોનાં-ચાંદીનાં ભાવ આકાશે: વર્ષમાં જ 51,000થી 89,000 સુધીનો વધારો, ચાંદીની સપ્લાય ખોરવાઈ, વેપારીઓએ કહ્યું – “હજુ ભાવ વધશે”
16-Oct-2025
દિવાળીનો તહેવાર હવે બારણે છે અને લગ્નસરાની સીઝન પણ જોર પકડવા લાગી છે. આ વચ્ચે સોનું અને ચાંદી — બંને ધાતુઓના ભાવ રોકેટની ગતિએ વધી રહ્યા છે.
છેલ્લા ત્રણ વર્ષથી સતત તેજી
વર્ષ 2025માં તો સોના-ચાંદીના ભાવોએ ઓલ-ટાઈમ હાઈ સપાટી સર કરી દીધી છે. જાન્યુઆરીથી ઑક્ટોબર સુધીના માત્ર 10 મહિનામાં જ સોનામાં પ્રતિ તોલા 51,000 અને ચાંદીમાં પ્રતિ કિલો 89,000 રૂપિયાનો વધારો નોંધાયો છે.
વેપારીઓનું કહેવું છે કે વૈશ્વિક જિયો-પોલિટિકલ તણાવ, ટ્રેડ વોર અને અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર ઘટાડવાની શક્યતાને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે બુલિયન માર્કેટમાં તેજી આવી છે. પરિણામે ભારત સહિતના અનેક દેશોમાં સોનું-ચાંદી ખરીદવામાં ઉછાળો આવ્યો છે.
???? 24 કેરેટ સોનાનો ભાવ 1.30 લાખે પહોંચ્યો, ચાંદી 1.80 લાખે
દિવાળી તહેવાર દરમિયાન પુષ્ય નક્ષત્ર અને ધનતેરસ પર લોકો સોનું-ચાંદી ખરીદવાનું શુભ માનતા હોવાથી ખરીદી વધે છે. આ વર્ષે તો સોનાં-ચાંદીનાં ભાવોએ “રોકેટ”ની જેમ ઉડાન ભરી છે.
ગત વર્ષની સરખામણીએ સોનામાં લગભગ 50% અને ચાંદીમાં 70થી 75% સુધીનો વધારો નોંધાયો છે. હાલ 24 કેરેટ સોનાનો ભાવ 1.30 લાખ પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયો છે, જ્યારે ચાંદી 1.80 લાખ પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે.
રાજકોટ જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશનના પ્રમુખ મયુરભાઈ સોની જણાવે છે કે “માત્ર એક જ વર્ષમાં સોનાએ 55% અને ચાંદીએ 75% જેટલું વળતર આપ્યું છે. ચાંદીની માંગ એટલી વધી ગઈ છે કે ઘણા વેપારીઓ સપ્લાય પૂરી પાડવામાં અસમર્થ બન્યા છે. ઇલેક્ટ્રોનિક્સ, સેમી-કંડકટર, સોલાર પેનલ અને ઇલેક્ટ્રિક વાહન ઉદ્યોગોમાં ચાંદીનો ઉપયોગ વધવાથી ઉદ્યોગિક માંગ પણ ઊંચી રહી છે.”
???? ચાંદીની ડિમાન્ડ ઉછળતાં સપ્લાય ખોરવાઈ, આવતી દિવાળીએ ભાવ 2.50 લાખ સુધી પહોંચવાની ધારણા
વેપારીઓ માને છે કે હાલ ચાંદીનો ભાવ 1.75 લાખ છે, પરંતુ આવતા વર્ષે દિવાળીએ તે 2.25થી 2.50 લાખ સુધી પહોંચી શકે છે.
સિલ્વર માત્ર ઘરેણાંમાં જ નહીં, પરંતુ ઉદ્યોગ ક્ષેત્રોમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે — ખાસ કરીને સોલાર પેનલ, ઇલેક્ટ્રિક વાહનો અને હાઈ-ટેક બેટરી ઉદ્યોગોમાં.
આથી, ચાંદીની ડિમાન્ડ સતત વધતા વૈશ્વિક સપ્લાય ચેઇન પર દબાણ વધ્યું છે, જે ભાવને વધુ ઉંચા ધકેલી રહ્યું છે.
???? બજારમાં ખરીદી ઘટી, માત્ર 30% જેટલો ધંધો
રાજકોટ ગોલ્ડ ડીલર એસોસિએશનના પ્રમુખ ભાયાભાઇ સોનીએ જણાવ્યું કે હાલ માર્કેટમાં માત્ર 30% જેટલો ધંધો ચાલી રહ્યો છે. લોકો સોનાં-ચાંદીની ખરીદી માત્ર “શુકન” પૂરતી કરી રહ્યા છે.
“ભાવ વધારાની સ્થિતિને કારણે માર્કેટ મંદીમાંથી પસાર થઈ રહ્યું છે. દિવાળી પછી શું થશે તે અણધાર્યું છે. કેટલાક વેપારીઓ લોભામણી સ્કીમ આપીને 2-3% મેકિંગ ચાર્જમાં ઘરેણાં આપવાની જાહેરાત કરે છે, પરંતુ હકીકતમાં એ શક્ય નથી. ગ્રાહકોએ આવી સ્કીમથી સાવચેત રહેવું જોઈએ,” એમ તેમણે ચેતવણી આપી હતી.
???? “સોનું એ સેફ હેવન છે” — વેપારીઓનો વિશ્વાસ અડગ
રાજકોટની સોની બજારમાં નાના-મોટા મળીને આશરે 15થી 20 હજાર શોરૂમ છે અને એક લાખ જેટલા કારીગરો આ વ્યવસાય સાથે જોડાયેલા છે.
ભાયાભાઇ સોની કહે છે, “છેલ્લા ચાર મહિનામાં જ સોનાના ભાવમાં 25થી 27 હજાર રૂપિયાનો વધારો થયો છે. સોનું હંમેશા ઓલ ટાઈમ હાઈ રહેવાનું છે. લગ્ન, સગાઈ અને અન્ય શુભ પ્રસંગોમાં સોનું-ચાંદી આપવાની પરંપરા ક્યારેય બંધ થવાની નથી. સોનામાં જેવું વળતર મળે તેવું કોઈ બીજા માર્કેટમાં મળતું નથી.”
???? 1951થી અત્યાર સુધી સોનામાં 820 ગણું વળતર
ઇતિહાસ જોવામાં આવે તો સોનાએ હંમેશા રોકાણકારોને ખુશ કર્યા છે.
1951માં 10 ગ્રામ સોનું માત્ર ₹98માં મળતું હતું, જ્યારે 2025માં તે ₹1,31,000 સુધી પહોંચી ગયું છે — એટલે કે 820 ગણો વધારો.
માત્ર 2012થી 2017 વચ્ચે પાંચ વર્ષનો સમય એવો હતો જ્યારે ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ ત્યાર બાદ 2018થી સતત તેજી જળવાઈ છે.
છેલ્લા ત્રણ વર્ષમાં વૈશ્વિક તણાવ અને ડોલર સામેના અસ્થિરતાને કારણે પણ સોનામાં તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે.
16-Oct-2025