સુરત | હોટેલ અને રેસ્ટોરન્ટ સહિતની જગ્યાએ જયારે યુવતીએ પોતાની ઓળખનો પુરાવો આપીને યુવકની સાથે સંબંધ બાંધ્યા હોય ત્યારે તેને બળાત્કારની વ્યાખ્યામાં ગણી શકાય નહીં. જાતીય સંબંધ બાદ લગ્નનો ઈનકાર કરી દેવો તેને પણ બળાત્કાર ગણી શકાયો નથી, તેમ ટાંકીને કોર્ટે વેડરોડના યુવકને નિર્દોષ છોડી મૂકતો હુકમ કર્યો હતો.
આ કેસની વિગત મુજબ કતારગામમાં રહેતા પ્રિયંક અને ડિંડોલીમાં રહેતી પ્રિયા (બંને નામો બદલ્યા છે) અભ્યાસ સમયે બંને વચ્ચે મિત્રતા થઈ હતી અને બંને એકબીજાની સાથે હોટેલ, રેસ્ટોરન્ટ સહિતના સ્થળે ફરવા પણ જતા હતા. આ સમય દરમિયાન બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા. પ્રિયંકે પ્રિયાને લગ્ન કરવાની ના પાડતા તેણીએ પ્રિયંકની સામે બળાત્કારની ફરિયાદ આપી હતી. આ કેસ સુરતની કોર્ટમાં ચાલી જતાં પ્રિયંક તરફે હાજર એડવોકેટ અશ્વિન જોગડિયાએ દલીલો કરી હતી કે, લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બંધાયા હોય તો તેને બળાત્કાર કરી શકાયો નથી. આ ઉપરાંત ફરિયાદી એટલે કે યુવતી પોતે શિક્ષિત છે અને કોની સાથે સંબંધ રાખવા તેની સમજણ પણ ધરાવે છે. આ કેસમાં ડોક્ટરની ઊલટતપાસ થઈ ત્યારે બહાર આવ્યું કે, યુવતીને
નિમ્ફોમેનિયા નામની બીમારી છે. આ
બીમારીમાં યુવતીને સેક્સ કરવાની વધુ ઇચ્છા થાય છે અને તે પોતાને રોકી શકતી નથી, યુવતીની ઇચ્છાથી જ અનેકવાર સંબંધો બંધાયા છે. આ ઉપરાંત યુવતીએ પોતે ગર્ભવતી હોવાનો આક્ષેપ કર્યો હતો, પરંતુ ટ્રાયલમાં પણ આવો કોઈ પુરાવો રેકર્ડ ઉપર આવ્યો ન હતો. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ ચુકાદો આપતા નોંધ્યું હતું કે, ભોગ બનનારે આરોપી સાથે જતી વખતે કોઈ પણ દબાણ વિના હોટલ અને રેસ્ટોરન્ટમાં ઓળખ કાર્ડ આપ્યા છે, જેથી તેણી સાથે કોઈ બળજબરી થઈ નથી જેથી તેને બળાત્કાર કહી શકાય નહીં, તેમ ટાંકીને પ્રિયંકને નિર્દોષ છોડી મૂકતો હુકમ કર્યો હતો.
28-Aug-2025