દિવાળી પહેલા ખાનગી બસોમાં ઉઘાડ લૂંટ: મુસાફરોની મજબૂરીનો લાભ લઈ ભાડામાં દોઢથી બે ગણો વધારો
16-Oct-2025
દિવાળી તહેવાર હવે ગણતરીના કલાકોમાં જ બાકી છે. એ પહેલાં જ લોકો પોતાના વતન જવા માટે ધસમસતા જોવા મળી રહ્યા છે. ટ્રેનોમાં બેઠકો હાઉસફુલ થઈ ગઈ છે, તો બીજી તરફ ખાનગી બસ સંચાલકોએ મુસાફરોની મજબૂરીનો લાભ લઈ ઉઘાડ લૂંટ શરૂ કરી દીધી છે.
અમદાવાદ અને સુરત શહેરમાં ટ્રાવેલ્સ ઓફિસોમાં હાલ બસ બુકિંગ માટે ભારે ભીડ
સ્ટિંગ ઓપરેશનમાં ખુલ્યું કે ઘણા ખાનગી બસ સંચાલકો ભાડામાં દોઢથી બે ગણો વધારો કરીને મુસાફરોને ઠગતા હોવાનું સામે આવ્યું છે.
સુરત શહેરમાં વરાછા વિસ્તારના હીરાબાગ ખાતે બે ટ્રાવેલ્સ ઓફિસોમાં તપાસ કરવામાં આવી. જ્યાં રિપોર્ટરે “ભાવનગર જવું છે” એવું પૂછતાં, ડેસ્ક પર બેસેલા કર્મચારીએ કહ્યું — “19 ઓક્ટોબરની ટિકિટ મળશે, 18 સુધીનું બુકિંગ ફુલ છે. એસીની ટિકિટ 1000 અને નોન-એસીની 900 છે. હાલ બધા ભાડાં વધ્યા છે અને પાંચમ સુધી રહેશે. બીજી ટ્રાવેલ્સ ઓફિસમાં પણ સમાન દ્રશ્ય જોવા મળ્યું. ત્યાં કર્મચારીએ જણાવ્યું કે ટિકિટનો ભાવ હાલ 1000થી 1100 રૂપિયા સુધી છે, જે દિવાળી પછી ઘટીને 800થી 900 રૂપિયા થશે. એટલે કે સામાન્ય દિવસમાં જે ટિકિટ 600 રૂપિયામાં મળતી હતી, તે હાલ વધીને 1100થી 1200 રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના હજારો લોકો સુરતને કર્મભૂમિ બનાવીને અહીં રહે છે. દર વર્ષે દિવાળી પહેલાં પોતાના વતન જતા લોકો પાસેથી ખાનગી બસ સંચાલકો વધુ ભાડું વસૂલતા હોવાની ફરિયાદો ઊઠે છે. આ વર્ષે પણ એ જ ચિત્ર ફરી દોહરાયું છે. અમદાવાદથી રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં જતી ખાનગી બસોમાં પણ 300થી 500 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કેટલાક ટ્રાવેલ ઓફિસોમાં બુકિંગ ફુલ જોવા મળ્યું, તો કેટલાક સંચાલકોએ રાત્રે વધારાના ભાડે બસ દોડાવવાનું નક્કી કર્યું છે.
રિપોર્ટરે રાજકોટ જવા અંગે પૂછતાં, એક ટ્રાવેલ ઓફિસના પ્રતિનિધિએ જણાવ્યું — “સીટરનું ભાડું 750 રૂપિયા છે, સ્લીપરનું 1000થી 1100 રૂપિયા છે અને હજુ 100થી 200 રૂપિયા વધી શકે છે. સામાન્ય દિવસમાં જે રાજકોટ માટે સીટર બસનું ભાડું 500 રૂપિયા હોય છે, તે દિવાળી પહેલા વધીને 700થી 750 રૂપિયા થયું છે, જ્યારે સ્લીપર બસનું ભાડું 500થી વધીને 1100 સુધી પહોંચી ગયું છે. મોટાભાગની ખાનગી બસો ફુલ થઈ ગઈ છે અને અમુક બસોમાં માત્ર 5થી 10 સીટ જ ખાલી જોવા મળે છે. મુસાફરો મજબૂરીમાં વધારેલું ભાડું ચૂકવીને પણ બુકિંગ કરાવી રહ્યા છે, કારણ કે તહેવારના સમયગાળામાં પોતાના વતન જવાનું ટાળી શકાતું નથી.
ખાનગી બસ સંચાલકો જાણે છે કે “ભાવ ગમે તેટલો વધુ હોય, મુસાફર જશે જ”, તેથી લૂંટનો આ વ્યવસાય નિડરતાથી ચાલી રહ્યો છે. જો સરકાર તહેવાર દરમ્યાન આ બાબત પર કડક નજર રાખે અને નિયંત્રણ લાવે, તો લોકોના ખિસ્સા ખાલી થવાથી બચી શકે છે.
16-Oct-2025