મહુવામાં સવા 6 ઈંચ, ઉમરાળા-વલ્લભીપુર, પાલિતાણા-જેસરમાં અઢીથી 4 ઈંચ વરસાદ

29-Sep-2024

ભાવનગર : ભાદરવાના અંતિમ તબક્કામાં ભાવનગર શહેર અને જિલ્લામાં ભરપૂર વરસાદ વરસી રહ્યો છે. જેમાં મહુવા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આજે બારે મેઘ ખાંગા થતા સાડા ત્રણ કલાકમાં સાડા ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. અને હાલ વરસાદ ધીમી ધારે શરૂ છે.

ઘોઘા, સિહોરમાં સવા 2 ઇંચ વરસાદ

મહુવામાં આજે પાંચ કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસી ગયો હતો. સાંજ સુધીમાં 156 મીમી (6.2 ઇંચ) વરસાદ પડતા મૌસમનો કુલ વરસાદ 1203 મીમી (48.12 ઈંચ) વરસાદ વરસતા 2005માં પડેલ 46.28 ઇંચ વરસાદનો રેકોર્ડ તૂટ્યો છે. છેલ્લા 60 વર્ષનો રેકોર્ડ તોડતો વરસાદ આજે વરસ્યો હતો. હજુ વરસાદ શરૂ છે. તો બીજી બાજુ વલ્લભીપુર, ઉમરાળા, પાલિતાણા અને જેસરમાં અઢીથી ચાર ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. ઘોઘા અને સિહોરમાં સવા બે ઇંચ, તળાજામાં દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે ભાવનગર શહેરમાં પણ રાત્રે ગાજવીજ સાથે દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો. મહુવા શહેરમાં ભારે વરસાદથી નીચાણ વાળા વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી ભરાયા હતા.જેસરમાં પણ રાતના 10 વાગ્યા સુધીમાં ત્રણેક ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. તેમજ તાલુકાના ગામોમાં ધોધમાર વરસાદ વરસી ગયો હતો જેસર ગામે આવેલ કાચા મકાનની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી જેમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. શેત્રુંજી ડેમની સપાટી રાત્રીના 9 કલાકે 31.5 ફૂટ થઇ હતી. પાલિતાણામાં બપોરે વરસાદ વરસવો શરૂ થયેલ છે જે આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે રાત્રિના નવ વાગ્યે પણ જોરદાર વરસાદ વરસી રહેલ છે.

અમરેલી જિલ્લામા સતત ત્રીજા દિવસે પણ ધોધમાર વરસાદ

અમરેલી જિલ્લામા સતત ત્રીજા દિવસે પણ ધોધમાર મેઘસવારી શરૂ રહેતા કુંકાવાવમા ત્રણ ઇંચ વરસાદ પડયો હતો. ભારે વરસાદના પગલે કુંકાવાવની બજારમા જાણે નદીની જેમ પાણી વહેવા લાગ્યા હતા. અને નીચાણવાળી કેટલાક દુકાનમા પાણી ઘુસી ગયા હતા જેના કારણે માલમતાનુ નુકશાન થયુ હતુ. કુંકાવાવ આસપાસના ઉજળા, સનાળી વિગેરે ગામોમાં પણ ભારે વરસાદ પડયો હતો. તો બીજી તરફ વડીયા પંથકમા અવિરત વરસાદ શરૂ છે. અને આજે દિવસ દરમિયાન વધુ પોણો ઇંચ વરસાદ વરસી ગયો હતો. અમરેલીમા પણ સાંજે વરસાદ શરૂ થયો હતો અને રાત સુધીમા એક ઇંચ વરસાદ વરસી ગયો હતો. લાઠી પંથકમા આજે દિવસ દરમિયાન હળવા વરસાદી ઝાપટા પડયા હતા. ટોડા, પ્રતાપગઢ, આસોદર, દુધાળા, રામપર, તાજપર, ભુરખીયામાં વરસાદ પડ્યો હતો. મોડી સાંજે ધારી પંથકમા પણ અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. અત્યાર સુધીના વરસાદથી કપાસ અને મગફળીના પાકને મોટો ફાયદો થશે. જો અતિભારે વરસાદ ન પડે તો પાકને હજુ કોઈ નુકશાન નથી.

Author : Gujaratenews