પલસાણામાં 2 કલાકમાં પાંચ ઇંચ વરસાદ, દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ, આજે ભારે વરસાદની વકી

29-Sep-2021

સુરત :દક્ષિણ ગુજરાતમાં જાણે સૂર્યાસ્ત થઇ ગયો હોય તેમ ચારેતરફ અંધકાર છવાઇ ગયો હતો. અંધારુ થયા બાદ એકાએક ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ખાસ કરીને સાંજે ૫થી ૭ વાગ્યા સુધીમાં મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ્સ જોવા મળી હતી. જેમાં સુરતના પલસાણા તાલુકામાં બે જ કલાકમાં સૌથી વધુ ૫ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે આખા દિવસમાં પલસાણામાં ૬.૫૬ ઈંચ વરસાદ નોંધાયો હતો. સાંજે પાંચ વાગ્યે નોકરી પરથી ઘરે જવાના સમયે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં ઠેરઠેર ચક્કાજામનાં દશ્યો સર્જાયા હતા. બીજી તરફ હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ચાર દિવસ સુરત, નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

 

દક્ષિણ ગુજરાતમાં મંગળવારે સવારથી વરસાદી માહોલ છવાયો હતો. સવારથી છૂટાછવાયા વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડી રહ્યા હતા, ગુલાબ વાવાઝોડાને પગલે આગામી બે દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી. દરમિયાન સાંજે પાંચ વ્યાગે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. કાળાદિબાંગ વાદળો વચ્ચે વરસાદે ધબડાટી બોલાવતા સુરતના પલસાણામાં ૬થી ૮ વાગ્યા સુધીમાં ૫ ઈંચ વરસાદ ખાબકી ગયો હતો. બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ નોંધાતા ઠેરઠેર પાણી ભરાઇ જવા પામ્યો હતો.

Author : Gujaratenews