સુરતમાં લોકડાયરામાં ટોળા ઉમટતા કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ

28-Dec-2021

સુરત:ગુજરાતમાં એક તરફ કોરોના સંક્રમણના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જ્યારે બીજી બાજુ લોકો અને રાજનેતાઓ મોટા મોટા કાર્યક્રમો કરીને કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડાવી રહ્યા છે. આવી જ એક તસવીર સુરતમાંથી સામે આવી છે. સુરતના વરાછામાં એક લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં આશરે 5,000 લોકોના ટોળેટોળા માસ્ક વગર ઉમટી પડ્યા હતા. લોકોએ સાથે મળીને કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડાવ્યા હતા. કોરોના જાણે જતો રહ્યો હોય તેમ લોકો પોતાની મસ્તીમાં મસ્ત બનીને લોકડાયરાની મઝા માણી રહ્યા હતા. સુરતના વરાછા વિસ્તારમાં એક લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. લોકોને કોરોનાનો કોઇ ભય ન રહ્યો હોય તેમ ત્રીજી લહેરને જાણે આમંત્રણ આપવા માટે ભેગા થયા હોય તેમ લાગી રહ્યું હતુ. મોટી સંખ્યામાં ભેગા થયેલા લોકોએ સોશિયલ ડિસ્ટન્સના નિયમનું તો પાલન કર્યુ ન હતુ સાથે માસ્ક પણ પહેર્યા ન હતા. હાલ આ કાર્યક્રમનો વીડિયો સામે આવ્યો છે. નોંધનીય છે કે, આ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલે પણ હાજરી આપી હતી. શહેરમાં લોકો અને રાજનેતાઓ લોકોના ટોળા ભેગા કરે છે તો બીજી બાજુ તંત્ર દ્વારા વેક્સિનેશન ઝડપથી થાય તે માટે ભાર મુકાઈ રહ્યો છે. રવિવારે શહેર-જિલ્લામાં કોરોનાના ૨૦ કેસ નોંધાયા હતા.સોમવારે 22 નવા કેસ નોંધાયા છે. કોરોના કેસમાં ઉછાળો આવતાં સંક્રમણને અટકાવવા માટે પાલિકા દ્વારા વેક્સિનેશન સેન્ટરની સંખ્યા વધારી દેવામાં આવી છે. વેક્સિન ન લેનારને સરકારી ઈમારતો અને બસમાં પણ પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. જેમાં ૩૨૫ સેન્ટર પર વેક્સિનેશનની કામગીરી થઈ રહી છે. તો સવાલ એ થાય છે કે, આ મોટા મોટા કાર્યક્રમોમાં લોકોએ રસી લીધી છે

કે નહીં તેની તપાસ થાય છે કે નહીં? શહેર-જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૧૪૪૩૦૫ થઈ ગઈ છે. એક પણ કોરોના દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં કોરોનાનો કુલ મૃતાંક ૨૧૧૮ થયો છે. જયારે રવિવારે શહેરમાંથી ૧૦ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર-જિલ્લામાં ૧૪૨૦૫૪ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.

Author : Gujaratenews