સુરતમાં સાકાર થનારો જેમ્સ એન્ડ જવેલરી પાર્ક વિશ્વકક્ષાનો બનાવાશેઃ સીએમ રૂપાણી

28-Aug-2021

હીરા ઉદ્યોગકારોએ દેશ અને દુનિયાને બતાવ્યું છે કે અમે હીરા ઘસનાર અને ઘરેણાંને ઙાટ આપનારા નથી પણ ગ્લોબલ ટ્રેન્ડ સેટ કરવાની ક્ષમતા અમારામાં છે. અનેક મુશ્કેલીઓને અવસરમાં પલટવાની તાકાત હીરાઉદ્યોગકારોમાં છે તેમ ડાયમંડ સિટીના આંગણે કેન્દ્રીય કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય તથા જેમ્સ એન્ડ જવેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સીલ(જીજેઈપીસી) દ્વારા આયોજીત “46મો ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી એવોર્ડ” સમારોહ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું.

 

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી સમયે સમગ્ર વિશ્વ સ્તબ્ધ અને સ્થગિત હતુ. ત્યારે જેમ્સ એન્ડ જવેલરીની ચમક ઓછી થઈ નહતી. 2020-21ના વર્ષમાં 8.50 ટકાના ગ્રોથ સાથે 67 હજાર કરોડની જવેલરી એકસપોર્ટ કરીને વિકાસના લક્ષ્યાંકને સિધ્ધ કરવા માટે આ સેકટર મહત્વનું પાસુ બન્યું છે. સમયની સાથે ચાલીને સુરતના આગેવાનોએ જરૂરી એચિવમેન્ટ કર્યું છે તેમ જણાવતા મુખ્યમંત્રીએ નરેન્દ્રભાઈ મોદીના 400 બિલીયન ડોલરના લક્ષ્યાંકને સિધ્ધ કરવા માટે આ ઉદ્યોગ મહત્વનો ફાળો આપશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

Author : Gujaratenews