હીરાના એક્સપોર્ટમાં 21.50 ટકાનો ઘટાડો, હીરાના કારખાનામાં રજા રાખવાનું શરૂ કરાયું

28-Jan-2023

Surat: જીજેઈપીસી ગત 2021ના ડિસેમ્બર મહિનામાં 13,341 કરોડના જ્યારે 2022ના ડિસેમ્બર મહિનામાં 10,472 કરોડના જ હીરા એક્સપોર્ટ થયા

હીરાના કારખાનામાં શનિ-રવિ રજા રાખવાનું શરૂ કરાયું

આંતરાષ્ટ્રીય માર્કેટમાં હીરાની માંગમાં ઘટાડો થવાને કારણે એક્સપોર્ટમાં 21.50 ટકાનો ઘટાડો થયો છે. જીજેઈપીસી દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે વર્ષ 2021ના ડિસેમ્બર મહિનામાં 13,341 કરોડના જ્યારે 2022ના ડિસેમ્બર મહિનામાં 10,472 કરોડ રૂપિયાના હીરા એક્સપોર્ટ થયા છે.

ટેક્સટાઈલ માર્કેટમાં મંદિનું મોજું ફરી વળ્યુ છે, ત્યારે હવે અમેરિકામાં મંદિને કારણે સુરતના હીરા ઉદ્યોગ પર તેની સીધી અસર પડી છે, છેલ્લાં 8 મહિનાથી હીરા ઉદ્યોગની સ્થિતિમાં કથળી રહી છે. રફ હીરાના ભાવ વધી રહ્યા છે બીજી તરફ તૈયાર હીરાના પુરતા ભાવ ન મળી રહ્યાં હોવાથી શહેરના હીરા વેપારીઓ દ્વારા પ્રોડક્શન કાપ કરવાનું શરૂ કરી દિધું છે. શહેરના અનેક હીરા યુનિટોમાં શનિ-રવિ રજા રાખવાનું શરૂ કરી દિધુ છે, તો અમુક હીરા યુનિટોમાં બે કલાક સમય કાપ કરવામાં આવ્યો છે. જીજેઈપીસી દ્વારા એક્સપોર્ટના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. વર્ષ 2021ના ડિસેમ્બર મહિનામાં 13,341 કરોડ રૂપિયાના જ્યારે વર્ષ 2022ના ડિસેમ્બર મહિનામાં 10,472 કરોડ રૂપિયાના હીરા એક્સપોર્ટ થયા હતાં. એટલે ગત ડિસેમ્બર મહિનાની સરખામણીમાં 2022ના ડિસેમ્બર મહિનામાં તૈયાર હીરાના એક્સપોર્ટમાં 21.50 ટકાનો ઘટાડો થયો હતો. જ્યારે વર્ષ 2021ના એપ્રિલથી ડિસેમ્બર મહિનાની સરખામણીમાં વર્ષ 2022માં તૈયાર હીરાના એક્સપોર્ટમાં 1.24 ટકાનો ઘટાડો થયો છે. વર્ષ 2021માં એપ્રિલથી ડિસેમ્બર મહિનામાં 133,737 કરોડના જ્યારે વર્ષ 2022ના એપ્રિલથી ડિસેમ્બર મહિનામાં 132,075 કરોડના તૈયાર હીરા એક્સપોર્ટ થયા હતાં. 2021ના ડિસેમ્બર મહિનાની સરખામણીમાં વર્ષ 2022ના ડિસેમ્બર મહિનામાં જેમ એન્ડ જ્વેલરીના એક્સપોર્ટમાં 11.25 ટકા ઘટાડો થયો છે. વર્ષ 2021ના ડિસેમ્બર મહિનામાં 19,432 કરોડના જ્યારે વર્ષ 2022ના ડિસેમ્બર મહિનામાં 21,896 કરોડની જેમ એન્ડ જ્વેલરીનું એક્સપોર્ટ થયું હતું.

Author : Gujaratenews