મોડાસાના ટાઉનહોલ ખાતે સુશાસન સપ્તાહના બીજા દિવસે “શહેરી વિકાસ દિવસ” ઉજવાયો

27-Dec-2021

સરકારની વિવિધલક્ષી યોજનાઓના લાભ આજે છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે : નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન ભાવસાર

મોડાસા નગરના નગરજનોને સરકારની અનેકવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરીને લાભાન્વિત કરાયા

રાજ્ય સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપયજીના જન્મ જયંતિ નિમિત્તે સુશાસન સપ્તાહની તા. ૨૫ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ સુધી ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. જેમાં સુશાસન સપ્તાહ અંતર્ગત Good Governance ની ઉજવણી સંદર્ભે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સુરત ખાતેથી બીજા દિવસે “શહેરી વિકાસ દિવસ” નો પ્રારંભ કરાવ્યો.

 જે અંતર્ગત અરવલ્લી જીલ્લાના મોડાસાના મહાલક્ષ્મી ટાઉનહોલ ખાતે ગુડ ગવર્નન્સના ભાગ રૂપે શહરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા મોડાસા નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન ભાવસારની અધ્યક્ષતામાં સુશાસન સપ્તાહના બીજા દિવસે “શહેરી વિકાસ દિવસ” ઉજવાયો. જેમાં લાભાર્થીઓને રાજ્ય સરકારની વિવિધલક્ષી યોજનાઓના લાભનું વિતરણ કરીને લાભાન્વિત કરાયા.

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન ભાવસારે જણાવ્યું કે, આપણે ૨૫ ડિસેમ્બરના દિવસે અટલજીના જન્મજયંતિને સુશાસન દિવસ તરીકે ઉજવીએ છીએ. રાજ્યનો પ્રત્યેક નાગરિક સુશાસન સપ્તાહનો સાચો અર્થ છે. આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન હતું કે દરેક નાગરિકને પોતાના ઘરનું ઘર મળે માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પ્રારંભ કરાયો છે. ઉજાલા યોજના, ઉજ્જવલા યોજના, જ્યોતિગ્રામ યોજના, કિસાન સૂર્યોદય યોજના, ખેડૂત સાત પગલા યોજના જેવી અનેકવિધ યોજનોઓ અમલમાં મુકીને છેવાડાના માનવી સુધી આ સુવિધાઓનો લાભ પહોંચે તે માટેની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાઈ છે. ગંગા સ્વરૂપા બહેનોને મહિને ૧૨૫૦ રૂપિયાની સહાય ચુકવવામાં આવે છે. તેમજ ફેરિયાઓને પણ આત્મનિર્ભર થવા માટે રૂ. ૧૦,૦૦૦ની લોન આપવામાં આવે છે. યુવાનોને સાચી દિશા આપવા માટે MSME આપે છે. 

તેમણે વધુમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી માટે ૨૧મી સદી જ્ઞાન અને વિજ્ઞાનની સદી છે. આજનો યુગ એ ડીજીટલ યુગ છે. જેનાથી સરકારની વિવિધલક્ષી યોજનાઓના લાભ આજે છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે. મુખ્યમંત્રીના નિર્ણયથી રાજ્ય પેપરલેસ, પારદર્શક અને ડીજીટલ બનશે. હવે ડીજીટલ પ્રોપર્ટી કાર્ડ ઓનલાઈન મળી રહ્યા છે. અત્યાર સુધીમાં ૨૬ લાખ લોકો ડીજીટલ સુવિધાનો લાભ લઇ રહ્યા છે. સુશાસન સપ્તાહ નિમિત્તે મુખ્યમંત્રીશ્રી આપ સૌને ડીજીટલ સેવાની ભેટ આપી છે. તેમણે આવકના દાખલાની સમય મર્યાદા વધારીને ૩ વર્ષ સુધી કરી છે. આપણે સૌ ભેગા મળીને મોડાસા નગરને સ્વચ્છ અને સુંદર બનાવીએ. 

આ કાર્યક્રમમાં મોડાસા નગરપાલિકાના લાભાર્થીઓને સરકારની વિવિધલક્ષી યોજનાના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે લોકોને મકાન મંજૂર થયેલા છે તેવા લોકોને ૧૦ પ્રમાણપત્રો સ્ટેજ પર આપવામાં આવ્યા તથા કુલ ૧૨૦૦ જેટલા મકાનો મંજૂર કરવામાં આવ્યા. પ્રધાન સ્ટ્રીટ વેન્ડર સ્કીમ પી.એમ.સ્વાનિધી હેઠળ જે ફેરિયાઓને 10,000 ની લોન મળેલ છે તેવા ૨૧૫ ફેરિયાઓને ફેરીના ઓળખ કાર્ડ આપવામાં આવ્યા. મુખ્યમંત્રી યોજના હેઠળ કુલ ૧૦ મંડળને ૧ લાખ રૂપિયા એમ કુલ ૧૦ લાખના ચેકોનું વિતરણ કરવામાં આવ્યુ. 

આ કાર્યક્રમમાં મુખ્ય અધિકારી સંજયભાઈ પંડયા, કારોબારી સમિતિના અધ્યક્ષ ભગવતી બેન, સેનેટેરી સમિતિના અધ્યક્ષ અતુલભાઈ જોષી, વેરા વસૂલાત સમિતિના અધ્યક્ષ પ્રિયંકભાઈ પટેલ, સમાજ કલ્યાણ સમિતિના અધ્યક્ષ વર્ષા બેન રાઠોડ, પ્રધાનમંત્રી આવાસ યોજના સમિતિના અધ્યક્ષ આશાબેન ખાંટ, ડે.એન.યુ.એલ.એમ યોજના સમિતિના અધ્યક્ષ કાજલ બેન ખાંટ, ટાઉન પ્લાનિંગ સમિતિના અધ્યક્ષ રોહિત ભાઈ પટેલ, પાણી પુરવઠા વિભાગ સમિતિના અધ્યક્ષ નિરજભાઈ શેઠ, કટલરી કરિયાણા મરચન્ટ સહકારી શરાફી મંડલીના પંકજભાઈ બુટાલા, રમણ ભાઈ પ્રજાપતિ તેમજ બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Author : Gujaratenews