ગુજરાતમાં અનરાધાર વરસાદથી રાજ્યના ડેમો છલોછલ થવાની તૈયારીમાં

27-Sep-2021

ગુજરાતમાં સપ્ટેમ્બર માસમાં સતત વરસી રહેલા વરસાદના પગલે રાજયના મોટાભાગના ડેમ ભરાવવાની તૈયારીમાં છે. જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છના અમુક ડેમોને બાદ કરતા રાજ્યના મોટાભાગના ડેમોમાં 83 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેના પગલે રાજયના મોટાભાગના વિસ્તારોની પીવાના અને સિંચાઇના પાણીની સમસ્યા હળવી બની છે. તેમજ રાજયનો જીવાદોરી સમાન નર્મદા ડેમમાં 63 ટકા જેટલો ભરાયો છે. જ્યારે રાજકોટનો ભાદર -1 ડેમ 100 ટકા ભરાયો છે.

રાજ્યમાં ભાદરવામાં ભરપૂર વરસાદ વરસતા રાજ્યના ડેમો છલોછલ થઇ ગયા છે. વરસાદના પગલે ગુજરાતના 93 ડેમો પર હાઇ એલર્ટ સિગ્નલ અપાયું છે. 12 ડેમોમાં 80 થી 90 ટકા પાણી ભરાતા એલર્ટ અને 12 ડેમોમાં 70 થી 80 ટકા પાણી ભરાતા વૉર્નિંગ સિગ્નલ અપાયું છે. આ સિવાય 99 ડેમો એવા છે, જ્યાં 70 ટકા કરતા ઓછું પાણી છે, જ્યાં કોઇ ચેતવણી અપાઇ નથી.સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ડેમો છલકાયા છે. ગુજરાતના કુલ 207 ડેમ પૈકી 56 ડેમ ઓવરફ્લો થયા છે. નર્મદા અને કલ્પર વિભાગના રિપોર્ટ પ્રમાણે 207 ડેમમાં અત્યારે 70.67 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સૌરાષ્ટ્રમાં સારા વરસાદના કારણે 141 ડેમમાંથી 50 ડેમ સંપૂર્ણ છલકાઇ ગયા છે. 141 ડેમમાં હાલ 78.65 ટકા પાણીનો સંગ્રહ થઇ ચૂક્યો છે.

આ જ રીતે દક્ષિણ ગુજરાતના 13માંથી 3 ડેમ ઓવરફ્લો થયા છે. દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં કુલ 92.44 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમની વાત કરીએ તો અહીં 57.41 ટકા પાણીનો સંગ્રહ થયો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં માત્ર 32.18 ટકા જ પાણી છે. જ્યારે કચ્છના 20 ડેમોમાં 27.20 ડેમોમાં 27.20 ટકા પાણી છે.

ગુજરાતમાં પાછલા 10 દિવસથી મેઘરાજા મહેર વરસાવી રહ્યાં છે..રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 82.41 ટકા વરસાદ પડ્યો છે.સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 92.75 ટકા વરસાદ નોંધાયો, તો ઉત્તર ગુજરાતમાં માત્ર 66.53 ટકા જ વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં હજુ 33 ટકાથી વધુ વરસાદની ઘટ છે.

આ પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં 82 અને કચ્છમાં 87 ટકા વરસાદ પડ્યો છે..રાજ્યમાં હવે માત્ર 17.60 ટકા વરસાદની ઘટ છે. હવામાન ખાતાએ હજુ બે-ત્રણ દિવસ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે, જેને જોતા ગુજરાતમાં સિઝનના સરેરાશ વરસાદની ઘટ આગામી સયમમાં પૂર્ણ થાય તેવી આશા છે.

Author : Gujaratenews