SURAT : સ્વ. અંજવાળીબેન સાચપરાનાં ચક્ષુદાન અને દેહદાનથી અન્યોનાં જીવનમાં અજવાળું પથરાયું
27-Jun-2022
કહેવત છે ને કે એ તો જિંદગી જીવી જાણ્યા અને મૃત્યુને પણ સાર્થક બનાવી ગયા. આનું ઉદાહરણ લેઉવા પટેલ સમાજમાં આજે જોવા મળ્યું છે. સ્વ. અંજવાળીબેન હરજીભાઈ સાચપરા જેમની ઉંમર 80 વર્ષ હતી. એમના ચક્ષુ અને દેહદાનથી અન્યોનાં જીવનમાં અજવાળું પથરાયું છે. મૂળ ભાવનગરની બાજુમાં અધેવાડા ગામનાં છેલ્લા 7 વર્ષથી સુરત સ્થિર થયેલા આ પરિવારનાં વડીલ માતુશ્રીનું આજે સવારે કુદરતી મૃત્યુ થયું હતું. બન્ને દીકરા માધવજીભાઈ અને બટુકભાઈ એ ચક્ષુદાન અને દેહદાન માટે નિર્ણય લીધો. જેને પરિવારે આવકારી લીધો હતો. નેત્રદાન લોકદ્રષ્ટિ ચક્ષુબેંક ખાતે અને દેહદાન સિવિલ હોસ્પિટલ સુરત ખાતે કરવામાં આવ્યું હતું. આમ આપણા મૃત્યુ પછી નેત્રદાનની માનવતા ભરી ભેટ દ્વારા અંધજનોને દ્રષ્ટિ પ્રદાન કરવાનો મહામંત્ર આપણને વિજ્ઞાને આપ્યો છે. આધુનિક સંશોધનને એ સિદ્ધ કરી આપ્યું છે કે આપણી આંખની આગળ આવેલું પારદર્શક પડ જેને કોર્નિયા કહેવામાં આવે છે તેને આપણા મૃત્યુ પછી પણ જીવંત રાખી શકાય છે અને જે દર્દીનો આ ભાગ કોર્નિયા રોગિષ્ટ બની ગયો હોય તેને ચક્ષુદાનમાં મળેલી આંખનો કોર્નિયા બેસાડવામાં આવે તો દર્દીને દેખતો કરી શકાય છે અને મૃત્યુ પછી દેહનું સંપૂર્ણ દાન એટલે દેહદાન. મૃત્યુ પછી દેહને રાખ કરવાના બદલે દેહદાન માટે નિયુક્ત કરેલી ગવર્નમેન્ટ હૉસ્પિટલમાં મેડિકલ રિસર્ચ અને એજ્યુકેશન માટે સુપરત કરવામાં આવે છે. દરેક મનુષ્ય જેમ કીર્તિ, ધન, સુખમય જિંદગી જીવવાની આશા સેવતો હોય છે તેમ તે પુણ્યશાળી પરોપકારી આત્માને શોભે તેવા મૃત્યુ પામવાની પણ ઈચ્છા ધરાવતો હોય છે. મૃત્યુ બાદ જીવનને સાર્થક બનાવી ચક્ષુદાન અને દેહદાન દ્વારા આ પરિવારે સુંદર સામાજીક સંદેશ આપ્યો છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025