યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચપ્પલે-ચપ્પલે ફટકારવાના ઉદ્ધવના નિવેદન સામે ભાજપે નોંધાવી ફરીયાદઃ શું રાણેની જેમ પોલીસ ઉદ્ધવની ધરપકડ કરશે : ભાજપ અને શિવસેના વચ્ચેનો ડખ્ખો ચરમસીમાએઃ હવે ઉદ્ધવ વિરૂદ્ધ ભાજપે ધોકો પછાડયો: અનેક પોલીસ સ્ટેશનોમાં કરશે ફરીયાદ
મુંબઈ, તા. ૨૬ :. મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે ચાલી રહેલી લડાઈ વધુ ઉગ્ર બને તેવી શકયતા છે. કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડનો બદલો લેવા ભાજપે હવે શિવસેના ઉપર એ જ શસ્ત્ર અજમાવ્યુ છે. ભાજપના એક નેતાએ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેના એક નિવેદન બાબતે ફરીયાદ દાખલ કરી છે. જેમા તેમણે કહ્યુ હતુ કે, યોગીને તેમના જ ચપ્પલથી મારવા જોઈએ. શું મહારાષ્ટ્ર પોલીસ ઉદ્ધવ ઠાકરે વિરૂદ્ધ પણ નારાયણ રાણે જેવા પગલા લેશે ?
ફરીયાદી ભાજપના યવતમાલ જિલ્લાના અધ્યક્ષ નીતિન ભુટાડા છે. તેમણે શિવસેનાના વડા અને રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરૂદ્ધ એફઆઈઆર નોંધવા અને ભડકાઉ ભાષણ આપવા માટે કાનૂની કાર્યવાહી કરવાની માંગણી કરી છે. તેમણે ઉમેરખેડ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. પોલીસે ફરીયાદ મળ્યાની પુષ્ટી કરી છે. ફરીયાદમાં જણાવાયુ છે કે ૨૫ ઓકટોબર ૨૦૨૦ના રોજ દશેરા વખતે ઉદ્ધવ ઠાકરેએ યોગી આદિત્યનાથ વિરૂદ્ધ ભડકાઉ અને ગંદી ભાષાનો ઉપયોગ કર્યો હતો.
અરજીમાં જણાવાયુ છે કે, ઠાકરે એ એવુ કહ્યુ હતુ કે એક યોગી કેવી રીતે મુખ્યમંત્રી બની શકે ? તેમણે તો ગુફામાં જઈને બેસવુ જોઈએ. તેમને તેમના ચપ્પલથી જ મારવા જોઈએ. યોગીએ શિવાજી મહારાજનું અપમાન કર્યુ છે. યોગીની શિવાજી પાસે જવાની હેસીયત નથી. યોગી જ્યારે મહારાષ્ટ્ર આવશે તો તેમને ચપ્પલથી પીટવા જોઈએ.
ફરીયાદમાં જણાવાયુ છે કે ઉધ્ધવ દ્વારા કરવામાં આવેલી ટીપ્પણીથી સમાજમાં અશાંતિ અને તોફાનો થઈ શકે છે. ફરીયાદીએ કહ્યુ હતુ કે ભાજપ મહારાષ્ટ્રના વિવિધ પોલીસ સ્ટેશનોમાં મુખ્યમંત્રી ઠાકરે વિરૂદ્ધ વધુ ફરીયાદો દાખલ કરાવશે. નાસિકમાં ભાજપના ધારાસભ્ય દેવીયાનીએ કહ્યુ કે ભાજપ તરફથી મુખ્યમંત્રી અને સામનાના સંપાદક સંજય રાઉત વિરૂદ્ધ બે ફરીયાદ દાખલ કરવાની અરજી પોલીસ કમિશ્નરને આપવામાં આવી છે.
05-Mar-2025