કારગિલ વિજય દિવસ નિમિત્તે જય જવાન નાગરિક સમિતિ- સુરત દ્વારા શહીદોને પુષ્પાંજલિ, તિરંગાયાત્રા, કલાંજલી અને રકતાંજલી દ્વારા અપાઇ ભાવભીની શ્રદ્ધાંજલિ

26-Jul-2022

સુરત શહેરમાં છેલ્લા 23 વર્ષથી કાર્યરત જય જવાન નાગરિક સમિતિ જે કારગિલ વિજય દિવસ નિમિત્તે ગુજરાતનાં શહિદ પરિવારજનોને આર્થિક સહાય તેમજ અનેક પ્રકારે મદદ કરતી સંસ્થા છે. આજે 26 જુલાઈનાં દિવસે આ સંસ્થા દ્વારા જુદી જુદી રીતે લોકોમાં દેશભક્તિ વધુ પ્રજવલિત થાય તેવા કાર્યો કરવામાં આવ્યા. જેમકે સરથાણા ખાતે શહીદ સ્મારકે પુષ્પાંજલિ, તિરંગાયાત્રા, કલાંજલી તેમજ ભવ્યાતિ ભવ્ય મેગા બ્લડ કેમ્પ યોજવામાં આવ્યો. જેમાં સવારે મોટી સંખ્યામાં લોકોએ સરથાણા શહીદ સ્મારક ખાતે ઉપસ્થિત રહીને શહિદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ તમામ કાર્યક્રમ વ્યવસ્થા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ યુવા ટીમ, યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ, સુ-સંસ્કારદીપ યુવા મંડળ દ્વારા થઈ હતી. ત્યારબાદ સરથાણાથી સૌરાષ્ટ્ર પટેલ ભવન મિનિબજાર સુધી નિકળેલી ત્રિરંગા યાત્રામાં પર્યાવરણનો સંદેશ આપવા 800 જેટલી ઈ-બાઇકો જોડાઈ હતી અને અત્યાર સુધી ક્યારેય ના જોવા મળ્યો એટલા મોટા પ્રતિસાદ સાથે વરાછાએ વીરોને વીરાંજલી આપી હતી. આની સમગ્ર વ્યવસ્થા સુંદર રીતે રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ, રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા થઈ હતી. ત્યાર બાદ સ્વનિર્ભર શાળા સંચાલક દ્વારા શ્રી સૌરાષ્ટ્ર પટેલ ભવન, મિનિબજાર ખાતે યોજાયેલ પંચમ રકતાંજલી કાર્યક્રમમાં સવારથી જ મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડ્યા હતા. જેમાં 2022 રક્ત યુનિટ એકઠું થયું હતું. આ કેમ્પમાં દેશભક્તિ પેવેલિયન લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સાથે સાથે આર્ટિસ્ટો દ્વારા સ્કેચ બનાવી કલા પ્રતિષ્ઠાન દ્વારા સપ્તરંગી કલાંજલી અર્પણ કરાઇ હતી. સુરતનાં ઇતિહાસમાં પ્રથમ વખત કારગિલ વિજય દિવસ સાવ અલગ અને ભવ્ય - દિવ્ય રીતે જય જવાન નાગરિક સમિતિ દ્વારા ઉજવાયો હતો. આ દરેક કાર્યક્રમોમાં વીર શહીદોનાં પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં તેમનું સહાય રાશિ સાથે સન્માન કરાયું હતું સાથે સાથે સેનાના ઉચ્ચ અધિકારીઓ તેમજ સમાજ શહેર શ્રેષ્ઠીઓ એ ઉપસ્થિત રહીને આની વિશેષ નોંધ લીધી હતી. જય જવાન નાગરિક સમિતિ દ્વારા થયેલા આ કાર્યક્રમમાં સુરત શહેરની વિવિધ સામાજીક અને સેવાકીય સંસ્થાઓનાં સાથ સહકાર થી આ સમગ્ર કાર્યને સફળતાપૂર્વક પૂરું પડાયું હતું.

Author : Gujaratenews