ગુજરાતમાં પતિનો આત્મઘાતી હુમલો, પતિએ પોતે ડિટોનેટર શરીરે બાંધી બ્લાસ્ટ કરી પત્નીને પતાવી દીધી

26-Feb-2022

તસવીર: અરવલ્લીમાં પતિએ પત્નીને બથમાં ભરી કૂવામાં પથ્થર તોડવાના ડિટોનેટર (ટેટા)થી બ્લાસ્ટ કરતાં દંપતીના હાથ-પગના ફુરચા ઉડી ગયા હતા.

અરવલ્લી: ગ્રિષ્મા હત્યાકાંડ બાદ વધુ એક ચોંકાવનારો કિસ્સો અરવલ્લીમાં સામે આવ્યો છે. આ સાથે ગુજરાતમાં આવી ઘટનાનો પ્રથમ કિસ્સો નોંધાયો છે. અરવલ્લી જિલ્લાના મેઘરજના બીટી છાપરા ગામે સસરાના ઘરે પિયરમાં ગયેલી પત્નીને તેડવા ગયેલા પતિએ કૂવામાં પથ્થર તોડવાના ડિટોનેટર પહેરી પત્નીને બાથમાં લઈ બ્લાસ્ટ કરી દેતા બંનેનાં મોત નીપજ્યા હતા. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

મેઘરજ તાલુકાના બીટી છાપરાના ભાથીભાઈ તરારની પુત્રી શારદા (ઉ.વ. 45)ના લગ્ન મોડાસા તાલુકાના મુલોજ ગામના લાલા સોમા પગી સાથે થયા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી પત્ની ઉપર વહેમ રાખતો હતો અને દારૂ પી મારઝુડ કરતો હતો. દારૂથી થતા ઝઘડા અને કંકાસના કારણે પત્ની અનેક વખત રિસાઈને પિયર જતી રહેતી હતી. દોઢ માસ અગાઉ પણ તે દારૂ પીધેલી હાલતમાં કોલેજમાં ભણતા પુત્રને કુહાડી લઈ મારવા દોડયો હતો. જેના પગલે પુત્ર અને પત્ની બીટી છાપરાં ગામે આવી ગયા હતા. દરમિયાન ગુરુવારે રાત્રે લાલા પગી કુવામાં પથ્થર તોડવાના ડિટોનેટર કેપ વાયર સાથે શરીર ઉપર લપેટી બીટી છાપરાં ગામે તેના સાસરીયામાં પહોંચી ગયો હતો. અને ઘર આગળ વાસણ માંજતી પત્નીને ભેટી પડ્યા બાદ શરીર ઉપર લગાવેલ જીલેટિનના બે વાયર ભેગા કરી દીધા હતા. બાદ પરિવાર દોડી આવ્યો હતો. એક્સપ્લોઝિવ પદાર્થનો બ્લાસ્ટ થતાં પત્ની શારદાબેન (ઉ.વ.૪૨)ના ફૂરચા ઉડી ગયા હતા અને મોત નીપજ્યું હતું. આત્મઘાતી હુમલામાં બ્લાસ્ટ કરનાર પતિ લાલા પગી (ઉ.વ.(૪૫) પણ ગંભીર રીતે ઈજા પામતા ગણતરીની મિનિટોમાં તેનું પણ મોત થયું હતું.
બનાવને પગલે ઈસરી પોલીસ દોડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બાદમાં મોડાસાથી એસપી અને ડીવાયએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ દોડી પહોંચી તપાસ હાથ ધરી હતી. યુવક વેલ્ડીંગનો વ્યવસાય કરતો હતો અને સંતાનમાં પુત્ર છે. 
આ મામલે પોલીસે અરવલ્લી જિલ્લામાંથી 50 ડિટોનેટર ઝડપી પાડયા છે. આ ડિટોનેટર ક્યાંથી લાવ્યો તેની પણ તપાસ થઇ રહી છે.

Author : Gujaratenews