શહેરમાં 10 કલાકમાંં સુરતમા અઢી ઈંચ વરસાદ, વરાછામાં સૌથી વધુ 5, રાંદેરમાં સૌથી ઓછો અડધો ઈંચ, હજુ બે દિવસ આગાહી

24-Sep-2021

બુધવારે મોડી રાત્રે શહેરના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો, જેમાં વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયેલો વરસાદ બપોર સુધી યથાવત રહ્યો હતો. શહેરમાં 10 કલાકમાં સરેરાશ અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો, જેમાં વરાછા ઝોનમાં સૌથી વધુ 5 ઈંચ જ્યારે રાંદેર ઝોનમાં સૌથી ઓછો અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. રાજસ્થાન પર કેન્દ્રીત થયેલા સાઇક્લોનિક સરક્યુલેશનને ધ્યાને લઇને હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે.

 

પાલિકાના કંટ્રોલમાંથી મળતી વિગત મુજબ શહેરમાં મેઘરાજાએ વિજળીના કડાકા ભડાકા સાથે વરસાવવાનું શરુ કયું છે. વરસાદ ખાબકતા શહેરના તમામ માર્ગે પર પાણી જ પાણી થઈ ગયું હતું વરસાદને પગલે કામધંધા પર જવા નિકળેલા શહેરીજનોને હાલાકી ભોગવવી પડી હતી. શહેર મધ્યેથી વહેતી તાપી નદી ઉપર આવેલા કોઝવે ની સપાટી રાત્રે આઠ વાગ્યે ૬.૭૩ મીટર નોધાઈ છે.

 

શહેરના વરાછા અને પુણા વિસ્તારમાં આવેલી નિચાણવાળી વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાઇ જતા લોકોને હાલાકી વેઠવી પડી હતી. સરથાણા વિસ્તારમાં વિજળી પડી હતી. જોકે, સદનસિબે કોઇ ઇજા કે જાનહાની થઇ ન હતી. કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદને પગલે શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પર પાણી ભરાયા હતા.

 

તાપમાનમાં 24 કલાકમાં 2 ડિગ્રીનો ઘટાડો, મોસમનો કુલ વરસાદ 51.54 ઈંચ પર પહોંચ્યો

શહેરમાં મોસમનો કુલ વરસાદ 51.54 (1296 મીમી) ઇંચ પર પહોંચ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શહેરનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી પરથી ગગડીને 29.6 ડિગ્રી જ્યારે લધુતમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ 85 ટકા રહ્યું હતું. દક્ષિણ પશ્ચિમ દિશામાંથી ૪ કિમીની ઝડપે પવન ફુકાયો હતો.

 

ઉકાઇ ડેમની સપાટી 342.17 ફૂટ પર પહોંચી, પાણીની આવક વધવાની શક્યતા

બુધવારે રાતથી ઉકાઇ ડેમના ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે ડેમની સપાટીમાં 24 કલાકમાં પોણો ફુટ વદી છે. સાંજે ડેમમાં પાણીની આવક 18561 ક્યુસેક હતી. જેની સામે આઉટ ફ્લો 1100 હતો. ડેમમાં ક્રમશ: પાણીનો આવરો વધી રહ્યો છે. સાંજે 6 વાગ્યા સુધીમાં ઇનફ્લો વધીને 69432 ક્યુસેક નોંઘાયો હતો. જેની સામે 17048 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમની સપાટી 342.17 ફુટ પર પહોંચી હોવાનું ફ્લડકંટ્રોલ વિભાગ પાસેથી જાણવા મળ્યું છે.

 

પૂણા અને સરથાણામાં બે જગ્યાએ વીજળી પડી

સરથાણા ગીરીરાજ હોટેલ પાસે ગુરૂવારે વહેલી સવારે વીજળી પડતા એક પંચરની કેબીન ભળકે બળી હતી. પંચરની કેબીનમાં આગ લાગેલી જોઈ ત્યાંથી પસાર થતા એક કરીયાણાના વેપારીએ ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. તેવી જ રીતે પુણા માતૃશક્તિ સોસાયટી વિભાગ-2માં મકાન નં. 61-62ના ધાબા પર પણ વિજળી પડી હતી. ધાબા પર વીજળી પડતા પીલરને નુકશાન થયું હતું. તેમજ આસપાસના ઘરોમાં લાઈટ, પંખા સહિતના ઈલેક્ટ્રિક ઉપકરણોને પણ નુકશાન થયું હતું.

Author : Gujaratenews