વરાછાની યુવતીને એમ્બ્રોઇડરીના કારખાનામાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું

24-Aug-2022

સુરત । વરાછાની યુવતીને પ્રેમજાળમાં ફસાવી યુવકે એમ્બ્રોઇડરીના કારખાનામાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે આરોપીની અટક કરી હતી.
મળતી વિગતો પ્રમાણે વરાછા ખાતે રહેતી ૧૯ વર્ષીય યુવતી સિલાઇ કામ કરે છે. તેણી છેલ્લાં ૧ મહિનાથી વરાછા- લાભેશ્વર ખાતે બોમ્બે કોલોનીમાં રહેતા આર્યન ઉર્ફે મહેશ ચૌધરી (૨૫) સાથે સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવી હતી. બંને જણા વોટ્સએપ પર પણ નિયમિત ચેટિંગ કરતા હતા. આર્યને યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. દરમિયાન ગત સોમવારે યુવતી ઘરેથી કોઇને પણ કાંઇ કહ્યા વગર ક્યાંક ચાલી ગઇ હતી. આર્યને કોલ કરી યુવતીને લલચાવી-ફોસલાવી મળવા માટે બોલાવી હતી. આર્યન તેણીને પોતે જ્યાં કામ કરે છે, તે એમ્બ્રોઇડરીના કારખાનામાં લઇ ગયો હતો. અહીં બળજબરી કરી યુવતી સાથે બદકામ કર્યુ હતુ અને બાદમાં સાંજના સુમારે તે યુવતીને ઘરે છોડી ગયો હતો. યુવતીના માતા-પિતાને ઘટનાની જાણ થતા સમગ્ર મામલો વરાછા પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે બળાત્કારનો ગુનો નોંધી આરોપી આર્યન ઉર્ફે મહેશ ચૌધરીની અટકાયત કરી હતી. પોલીસે પીડિતા યુવતીનું તબીબી પરિક્ષણ કરાવવાની તજવીજ હાથ ધરી છે.

​​​​

Author : Gujaratenews