સેવન સ્ટાર ગ્રુપ દ્વારા છેતરપિંડી : અયોધ્યા માર્કેટના નામે 400 લોકો સાથે 500 કરોડની છેતરપિંડી
23-Mar-2023
સુરતમાં સેવન સ્ટાર એમ્પાયર લિમિટેડના સારોલી સ્થિત અયોધ્યા માર્કેટ અને અયોધ્યા મોલ એમ બે પ્રોજેક્ટના 12 બિલ્ડર દ્વારા 400 લોકો સાથે 500 કરોડની છેતરપિંડી કરવામાં આવી છે. આ મામલે ગુરુવારે સુરત શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે સવારથી લોકોના ટોળેટાળા વળ્યા હતા. ન્યાય માટે પોલીસ કમિશનરનું શરણું લેવામાં આવ્યું હતું. અયોધ્યા મોલમાં સરવે નં. 746 અને 747 પૈકી 747 નંબરની જમીન સેવન સ્ટાર એમ્પાયર લિમિટેડના માલિકની ન હોવા છતા તેના પર બાંધકામ કરી લોકો પાસેથી કરોડો રૂપિયા લઈને વેચી દેવામાં આવી છે.
સુરતની ૭ સ્ટાર એમ્પાયર લિમિટેડ એક રિયલ એસ્ટેટ કંપનીના રેરા રજિસ્ટર્ડ પ્રોજેકટ 1. અયોધ્યા ટેક્ષટાઇલ મોલ અને 2. અયોધ્યા ટેક્ષટાઇલ માર્કેટમાં મિલકત વેચાણ અંગેની લોભામણી જાહેરાતો સમાચાર પત્ર તથા ન્યુઝ ચેનલમાં આપવામાં આવેલ તથા જાહેરાતમાં દુકાનોમાં રોકાણ કરનારાઓને દર મહિને માસિક હજારો રૂપિયાના આજીવન ભાડા ચુકવણી કરી આપવાની બાબતો દર્શાવેલ હાલ ઉપરોકત તમામ આરોપીઓ ધ્વારા મિલકત/ દુકાનના નામ પર આશરે ૪૦૦થી વધુ લોકો પાસે પૈસા પડાવી લઈ બદલામાં મિલકતનો કબ્જો નહી આપેલ તથા મિલકતનું બાંધકામ પૂર્ણ નહીં કરી આપેલ વધુમાં પ્રોજેક્ટ લોન લઈ પિરામલ ફાઇનાન્સ કંપનીને પૈસા ચૂકવેલ ન હોય તથા આગોતરું કાવતરું રચી લોકોનો વિશ્વાસ જીતીને ત્યાર બાદ વ્યક્તિઓના કાયદેસરના નાણાં પરત નહીં ચૂકવી તેમજ કોઈ પણ મિલકતનો કબજો નહી આપી તથા ખોટા સહી વાળા દસ્તાવેજો બનાવી સરકારી, અર્ધસરકારી તેમજ અન્ય કચેરીમાં રજૂ કરી ગુનો આચરેલ છે તથા ગુન્હાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ હોય તથા કરોડો રૂપિયાનુ કૌભાંડ કરવાથી ઉપરોક્ત તામામ આરોપી પર આઇ. પી. સીની કલમ ૪૦૬, ૪૨૦ ૪૦૯, ૪૬૫, ૪૬૭, ૪૬૮ ૪૭૧ ૪૫૨, ૧૨૦(બી), ૫૦૪, ૫૦(ર) તેમજ જ પી.આઇ.ડી એક્ટની કલમ-૩ મુજબ ગુનો નોંધવા તથા અન્ય કાયદેસર કાર્યવાહી કરવા અમો ફરિયાદીની નમ્ર અરજ છે તથા સદર કામની તપાસ માટે એક યોગ્ય પૉલિસ ટીમની નિયુક્તી કરી જેથી સદર કામે તપાસ વ્યવસ્થિત થઈ નાના રોકાણકારોને ન્યાય આપવો. અનેકો વાર અરજી થયેલ હોવા છતા સ્થાનિક પોલીસતંત્ર ધ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં આવેલ ન હોય. નાના રોકાણકારોને સાંભળવામાં આવેલ ન હોય અને આરોપીઓને વધુને વધુ ટેકો આપવામાં આવી રહ્યો છે. જે માટે ઝડપી ન્યાય અપાવવા નમ્ર અરજ કરવામાં આવી રહી છે.
તમામ 14 પ્રોજેક્ટમાં ગોબાચારી
સેવન સ્ટારના અત્યાર સુધીમાં તમામ 14 પ્રોજેક્ટમાં કોઇને કોઇ રીતે અનેક લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. જેમાં કોઇને લાઇફ ટાઇમ મેઇન્ટેન્સ અને કોઇ પ્રોજેક્ટમાં આજીવન ભાડાની લાલચો આપી છેતરવામાં આવ્યા છે. હજારો લોકોએ જીવનભરની મુડી ગુમાવી બેઠાં છે.
અગાઉ પણ બબાલ થઈ હતી
પુણા-સારોલીની સ્ટાર અયોધ્યા ટેક્સટાઇલ માર્કેટમાં દુકાન ખરીદનાર મહિલાને નક્કી થયા મુજબ છેલ્લા એક વર્ષથી માસિક રૂ. 30 હજારનું ભાડુ નહીં ચુકવવા ઉપરાંત કબ્જો પણ નહીં આપી બે ત્રણ તમાચા અને સળીયા વડે માર મારી ભાડા કે કબ્જાની વાત કરીશ તો કયાં ખોવાઇ જઇશ અને બોડી પણ મળશે નહીં તેવી ધમકી આપતા મામલો પુણા પોલીસમાં પહોંચ્યો છે.
બેંગલોર ખાતે આઇ.ટી કંપનીમાં નોકરી કરતા પતિ સાથે રહેતી રશ્મી વિજય ધામેલીયા અઠવાડીયા અગાઉ સીંગણપોરના તાપી એન્કલવેમાં માતા-પિતાના ઘરે આવી હતી. વિજયે ડિસેમ્બર 2020 માં પુણા-સારોલી ખાતે સ્ટાર અયોધ્યા ટેક્સટાઇલ મોલમાં દલાલ નિલેશ હસ્તક બિલ્ડર હસમુખ રાજાભાઇ મીરોલીયા (રહે. કમલબાગ સોસાયટી, ખોડિયારનગર પાસે, વરાછા) પાસેથી રૂ. 35 લાખમાં દુકાન ખરીદી હતી. સ્ટાર અયોધ્યા ટેક્સટાઇલ મોલ પ્રોજેક્ટની શરૂઆત સમયે બિલ્ડરે જાહેરાત કરી હતી તે મુજબ દુકાનના રૂ. 35 લાખ ચુકવી વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. ઉપરાંત દુકાનનો કબ્જો નહીં સોપે ત્યાં સુધી દર મહિને રૂ. 30 હજાર ભાડુ ચુકવવાની બાંહેધરી લખી આપી હતી. શરૂઆતમાં બિલ્ડરે દુકાનનું ભાડુ ચુકવ્યું હતું પરંતુ છેલ્લા એકાદ વર્ષથી ભાડુ ચુકવાનું બંધ કરી દીધું હતું અને કબ્જો પણ આપ્યો ન હતો.જેથી રશ્મી અને તેનો પતિ વારંવાર બિલ્ડરને ફોન કરતા હતા પરંતુ યોગ્ય પ્રત્યુત્તર મળ્યો ન હતો. જેથી ગત સાંજે રશ્મી તેના કાકા હસમુખ સાની અને તેમના મિત્ર વિનુભાઇ વૈષ્ણવ સાથે બિલ્ડરની ઓફિસે ગયા હતા. જયાં દુકાનના ભાડા અને કબ્જા અંગેની વાતચીત અંતર્ગત બિલ્ડર હસમુખે રશ્મી સાથે ગાળાગાળી કરી બે-ત્રણ તમાચા મારી દીધા હતા. ઉપરાંત લોખંડના સળીયા વડે રશ્મીના કાકા હસમુખ સાની અને મિત્ર વિનુભાઇ વૈષ્ણવ સહિત ત્રણેયને લોખંડના સળીયા વડે માર મારી ધમકી આપી હતી કે હવે દુકાનના ભાડા કે કબ્જાની વાત કરીશ તો કયાં ખોવાઇ જઇશ અને બોડી પણ મળશે નહીં તેવી ધમકી આપી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો.
કોણ કોણ છે બિલ્ડર
રૂપેશ કોટેચા
હરેશ લાલજી કથીરીયા
હસમુખ રાજાભાઇ મિરોલિયા
સની લહેરી
દર્શિત કિશોર રાયથા
શૈલેષ રાવજી પટોળિયા
બાબુભાઇ ગજેરા
જતિન પ્રદીપ ખગ્રામ
રાજેશ જયંતી સોમૈયા
સાગરભાઇ ચીમનભાઇ બૂતાણી
25-Jun-2025