ચૂંટણીનું રસપ્રદ પરિણામ: વહુ સામે સાસુની પેનલ વ્હાઈટ વોશ, દેલવાડા ગામનાં તમામ વોર્ડ પર વહુનો વિજય

22-Dec-2021

Gram Panchayat Election: ગીર સોમનાથના (Gir Somnath) ઊનાના દેલવાડા ગામે સાસુ સામે વહુની આખી પેનલનો વિજય થયો છે. સાસુ જીવી બાંભણિયા સામે વહુ પૂજા બાંભણિયા સરપંચ પદ માટે મેદાને હતા. દેલવાડાના કુલ 16 વોર્ડમાં ગ્રામપંચાયતની ચૂંટણીનો જંગ જામ્યો હતો. જેમાં વહુની પેનલે સાસુની સમગ્ર પેનલને હરાવી વ્હાઈટ વોશ કર્યો છે.

રસપ્રદ એ છે કે સાસુ કૂકરના નિશાન પર જ્યારે વહુની પેનલ ઘડાના નિશાન સાથે ગ્રામપંચાયતની ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. વિજેતા સરપંચે કહ્યું હતું કે આ તેમની નહીં પરંતુ સમગ્ર દેલવાડાની જીત છે.

ગીર સોમનાથ જિલ્લામાં ઉના તાલુકાનાં દેલવાડા ગામે સરપંચ પદ માટે સાસુ અને વહુ બન્નેએ સામસામે ચૂટણીમાં ઝંપલાવ્યુ હતું. ત્યારે સાસુ વહુમાંથી દેલવાડા ગ્રામપંચાયત (Delwada Gram Panchayat)માં સરપંચ પદની ખુરશી પર કોણ બેસશે તેના પર સૌની નજર હતી. સાસુ વહુએ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કટ્ટર વિરોધીની જેમ પોત પોતાનો પ્રચાર કર્યો હતો.

સાસુ વહુના આ જંગને બીજી રીતે લઇએ તો એવુ પણ લાગી રહ્યુ છે કે જાણે આ બંને લોકોને સરપંચનું પદ પોતાના ઘરે જ રાખવુ છે. ઘણા વર્ષથી આ એક જ પરિવાર દેલવાડામાં શાશન કરી રહ્યો છે. દેલવાડામાં આ પહેલા સરપંચ વિજયભાઇ બાંભણીયા હતા. જે પૂર્વ યુવા ભાજપના પ્રદેશમાંથી અને વર્તમાન કિશાન મોરચાના ભાવનગર જીલ્લાના પ્રભારી છે. આ વર્ષે સામાન્ય સ્ત્રી અનામત સીટ હોવાથી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજયભાઇ બાંભણિયાના પત્નિ પૂજાબેન વિજયભાઇ બાંભણીયાએ સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી હતી.

Author : Gujaratenews