સોશિયલ મીડિયામાં ગર્લફ્રેન્ડ બનાવી પ્રેમજાળમાં ફસાવીને સગીરા સાથે હોટેલોમાં દુષ્કર્મ, સગીરા ગર્ભવતી હોવાનું પણ ખૂલ્યું : બનાસકાંઠાના આરોપીની ધરપકડ કરી
22-Jun-2022
પ્રતિકાત્મક તસવીર.
અમદાવાદ: અમદાવાદમાં સોશિયલ મીડિયામાં મિત્રતા થયા બાદ વધુ એક સગીરા દુષ્કર્મનો ભોગ બની હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. જેમાં ગત તા.18ના રોજ રાતના સમયગાળા દરમીયાન સરદારનગર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે સગીરા રઝડતી હાલતમાં મળી આવી હતી. જેની પોલીસે પૂછપરછ હાથ ધરતા સગીરા પર તેના પ્રેમીએ દુષ્કર્મ ગુજાર્યું હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે પોલીસે તપાસ હાથ ધરી આરોપીની ધરપકડ કરી છે.બીજી તરફ સગીરા ગર્ભવતી છે કે નહીં તે મામલે પોલીસે સિવિલ હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટનો રિપોર્ટને લઈને તપાસ શરૂ કરી છે.આરોપી આયુષ માજીરાણા મૂળ બનાસકાંઠાનો રહેવાસી છે અને ધોરણ 4 સુધીનો અભ્યાસ કર્યો હોય અને ખેતીવાડીના વ્યવસાય સાથે સંકળાયેલ હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠા ખાતે રહેતા આરોપી આયુષ માજીરાણાએ અમદાવાદની સગીરા સાથે 6 મહિના પહેલા સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી હતી. ત્યારબાદ સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી અને છેલ્લા 3 માસથી આરોપી દર અઠવાડિયે સગીરાને મળવા અમદાવાદ આવતો હતો.
જ્યાં મળવાના બહાને હોટલમાં લઈ જઈ સગીરા સાથે અવાર દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન સગીરા સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતી હોય જે અંગે પરિવારજનોને જાણ થતાં માતા-પિતાએ મોબાઈલ લઈ લીધો. જેથી મનમાં લાગી આવતા સગીરા ઘરેથી નીકળી ગઈ હતી. જે રઝડતી હાલતમાં નરોડા વિસ્તારમાં પહોંચી ગઈ હતી.
આ દરમિયાન તા.18 જૂનના રોજ રાત્રે દોઢથી બે વાગ્યે પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે આ સગીરા મળી આવી હતી. આથી પોલીસે સગીરાને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી હતી. જ્યાં સગીરા દુષ્કર્મનો ભોગ બની હોય અને ગર્ભવતી હોવાનું પણ ખૂલ્યું હતું.
આ સમગ્ર ઘટનાને લઇને પોલીસે સગીરાના માતા-પિતાની શોધખોળ હાથ ધરી હતી. ત્યારબાદ સગીરાને તેના માતા પિતાને સોંપી હતી અને સરદારનગર પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે.
05-Mar-2025