શાસક-વિપક્ષના હોબાળા વચ્ચે સંસદ હજુયે ઠપ રાહુલ ગાંધી ‘મિરજાફ’; ભાજપમાં ‘શાહ’ અને ‘શહેનશાહ'

22-Mar-2023

નવી દિલ્હી, તા. 22: સત્તારૂઢ ભાજપ ભારતીય લોકશાહી વિશેની રાહુલ ગાંધીની નકારાત્મક ટિપ્પણીઓ માટે તેમની માફીની માગણી પર અડગ રહેતાં અને વિરોધ પક્ષના સભ્યો અદાણી મુદ્દે સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસની માગણી પર અડગ રહેતાં સરકાર અને વિરોધ પક્ષો વચ્ચે સમાધાનના સંકેત ન મળતા સંસદનું બજેટ સત્ર હવે વૉશ આઉટ તરફ આગળ વધી રહ્યું હોય, એવું લાગી રહ્યું છે.
દરમિયાન, કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લંડનની મુલાકાત દરમિયાન ભારતની લોકશાહી વિશે કરેલી નકારાત્મક ટિપ્પણીઓના મુદ્દે ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે સંસદથી સડક સુધી ઉગ્ર વાર-પલટવાર થઈ રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ રાહુલ ગાંધીની સરખામણી આજના રાજકારણના મિરજાફર સાથે કરી હતી અને વિદેશની ધરતી પર આપેલા નિવેદન બદલ માફીની માગણી કરી હતી. ભાજપ પર પલટવાર કરતા કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ ગૃહપ્રધાન (અમિત શાહ)ને શાહ અને નરેન્દ્ર મોદીને શહેનશાહ ગણાવ્યા હતા.
એવું લાગી રહ્યું છે કે સરકારે પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો છે કે સદનમાં હોબાળાની પરવા ર્યા વગર એ જરૂરી કામકાજ પૂર્ણ કરી લેશે. હવે એ જોવું રહ્યું કે મંગળવારે લોકસભામાં ધ્વનિમત દ્વારા જે રીતે જમ્મુ અને કાશ્મીરનું બજેટ મંજૂર કરી લેવામાં આવ્યું એ રીતે જ નાણાં ખરડો પણ પસાર કરી દેવામાં આવશે કે? એનો અર્થ નાણાં ખરડો ચર્ચા કર્યા વગર પસાર થઈ શકે છે.

Author : Gujaratenews