સુરતના કોસમાડાના નાના બાળકનો વીડિયો વાયરલ: 'મને ટ્યૂશનમાં ન આવડે'-વીડિયોથી દરેક મોબાઇલમાં પહોંચી ગયેલું બાળક સુરતનુ છે

21-Dec-2021

આશિષ પરમાર : મને ટ્યૂશનમાં ન આવડે ઘરે જ આવડે'-રડતાં રડતાં બાળક દ્વારા બોલાયેલા શબ્દો સાથેનો વીડિયો થોડા દિવસો અગાઉ ભારે વાઈરલ થયો હતો. કાલીઘેલી ભાષામાં બાળક પોતાની વાત રજૂ કરતો વીડિયોમાં જોવા મળે છે. આ વીડિયોને ઘણા લોકોએ કોમેડીના સ્વરૂપમાં લીધો તો ઘણા લોકોએ આ વીડિયોને બાળકો સાથેના અત્યાચાર સાથે સરખાવ્યો હતો. જો કે, આ બાળક કોણ છે? ક્યાંનો છે.? તેનો પરિવાર કોણ છે? અને તેને શા માટે ટ્યુશનમાં મોકલવામાં આવતો હતો તે સહિતના સવાલો વીડિયો જોનાર દરેકને થતો હતો. ત્યારે એક તપાસમાં આ બાળક સુરતના કોસમાડા ગામમાં રહેતો સાડા ત્રણ વર્ષનો રામ નીરવભાઈ કેવડિયા હોવાનું સામે આવ્યું છે. બાળકના પિતાએ કહ્યું કે, સામાન્ય બાળકો કરતાં રામને જીભ વહેલી આવી ગઈ હતી. પગેથી ચાલતા શીખતા પહેલાં જ રામ 8 મહિનાનો હતો ત્યારથી ચોખ્ખા શબ્દોમાં બોલતાં શીખી ગયો હતો.

ત્રણેક દિવસથી ટ્યૂશન જતો હતો

રામના પિતા નીરવભાઈ કેવડીયાએ જણાવ્યું હતું કે, હું સી.એ.ના વ્યવસાય સાથે સંકળાયેલો છું. એટલે ઘરે ક્યારેક કામ કરતાં કે લખતાં રામ જુએ તો તેને પણ તેમ કરવાનું મન થતું હતું. સાથે અન્ય બાળકોને ભણતા અને અભ્યાસ કરતાં જોઈને રામને પણ ભણવાની લગની લાગી હતી. પરંતુ તેની ઉંમર નાની હોવાથી ઘરે જ ટ્યુશન ચલાવતાં જીજ્ઞાશાબેન વાદીને ત્યાં ત્રણેક દિવસથી ટ્યુશનમાં મોકલ્યો હતો. પરંતુ તેની મીઠી વાણીને લઈને ત્યાં પણ વાતાવરણ હળવું બનાવી દીધું હતું. રામના જવાબોથી ટીચર અને અન્ય બાળકોને પણ ખૂબ મજા પડતી હતી.સંયુક્ત પરિવારમાં રહે છે

સંયુક્ત પરિવારમાં રહે છે

મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામના વતની અને સુરતમાં 20 વર્ષથી રહેતા રામના પિતા નિરવભાઈ તેમના ભાઈ-ભાભી તથા માતા પિતા સાથે સર્વમંગલ હોમ્સ કોસમાડા ખાતે રહે છે. સંયુક્ત પરિવારમાં દાદા-દાદી પાસે રહેતો રામ વાર્તાઓ સાંભળવાનો શોખીન છે. દાદા પાસે રામ મોડી રાત સુધી વાર્તા સાંભળીને સવારે પછી મોડેથી જાગતો હોય છે. સામાન્ય બાળકોથી વિપરીત રામ રાત્રે 1 વાગ્યા આસપાસ સુઈને પછી સવારે તેની સવાર 10 વાગ્યે પડતી હોય છે.

રામ દિવસભરનો સૌથી વધુ સમય પરિવાર સાથે વિતાવે છે, ગ્રાસ્પિંગ પાવર સારો છે

રામના દાદા વિઠ્ઠલભાઈએ કહ્યું કે, રામ મારી પાસે બહુ રહે છે. મારો લાડકો છે. વાર્તા સાંભળવાનો બહુ શોખીન છે. સવાલો બહુ કરે છે. અમે તેના સવાલોના જવાબ આપતા થાકી જઈએ એટલું પૂછે છે. જેવો જવાબ આપીએ કે તેને તે તરત જ યાદ રહી જાય છે. તેની યાદ શક્તિ પણ બહુ સારી છે. ચોખ્ખું બોલે છે. અમે તેને કહેતા નથી પરંતુ એ તેની જાતે જ શબ્દોની સારી રીતે ગોઠવણ કરી લેતો હોય છે. અમે ન કહ્યું હોય કે ન શીખવ્યું હોય તેવું પણ બોલતો હોય છે કે પૂછતો હોય છે. કહેવા કરતાં એ જોઈને અનુસરણ વધુ કરે છે.

MBA વીથ ફાયનાન્સ કરનાર રામના માતા અસ્મિતાબેને જણાવ્યું હતું કે, હું એક મારા બાળકનું ઘડતર નથી કરતી, અમે સંયુક્ત પરિવારમાં રહીએ છીએ. રામના કાકા-કાકી, દાદા-દાદી બધા સાથે રહે છે. રામના ઘડતરમાં સૌથી વધુ કોઈનો ફાળો હોય તો એ તેના દાદા-દાદીનો છે. તેના કારણે જ આજે તે આટલું સારૂં બોલી શકે છે.

ટ્યુશનમાં પણ લાડકો બની ગયો

રામનો વીડિયો બનાવનારા શિક્ષિકા જીજ્ઞાશા વાદીએ કહ્યું કે, મારી પાસે ઘણા બાળકો ટ્યુશન માટે આવતાં હોય છે. પરંતુ રામ તેમાંથી સૌથી જુદો છે. તેને કોઈ પણ સવાલ પૂછો તેની પાસે જવાબ હાજર જ હોય. તેને લાંબુ વિચારવાની જરૂર પડતી નથી. જવાબ પણ કોઈએ ગોખાવેલા કે પઢાવેલા ન હોય તેના જવાબ પણ અનોખા હોય એટલે અમને પૂછવાનું પણ વધારે મન થાય. મારી પાસે ચારેક દિવસથી જ આવતો હતો પરંતુ મારી સહિત ટ્યુશનમાં આવતાં અન્ય બાળકોનો પણ રામ લાડકો બની ગયો છે.

Author : Gujaratenews